પીધેલા કારચાલકે યુવાનનો ભોગ લીધોઃ પત્નીની હાલત ગંભીર

અમદાવાદ: અમદાવાદના અંકુર વિસ્તારમાં આવેલ જયમંગલ સોસાયટીથી મીરામ્બીકા રોડ ઉપર મોડી રાતે દારૂ પીને બેફામ રીતે કાર હંકારતા કારચાલકે એ‌િકટવા પર જઇ રહેલા દંપતીને અડફેટમાં લીધા હતા. કારની ટક્કરથી દંપતી એ‌િકટવા સાથે 200 મીટર સુધી ઘસડાયા હતા, જેમાં પતિનું ઘટનાસ્થળે મોત થયું હતું અને પત્નીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. અકસ્માત કરીને ભાગવા જતાં કારચાલક તથા તેના મિત્રને લોકોના ટોળાઓએ પકડી પાડીને મેથીપાક આપ્યો હતો.

જયમંગલ સોસાયટીથી મીરામ્બીકા રોડ ઉપર રાતે 37 વર્ષીય ધર્મેશભાઇ દિનેશભાઇ શાહ (રહે. પંચવટી એપાર્ટમેન્ટ, સોલારોડ, નારણપુરા) તથા તેમના પત્ની રુચાબહેન (ઉં.વ 32) એ‌િકટવા ઉપર આંટો મારવા માટે નીકળ્યા હતા તે સમયે દારૂ પીધેલી હાલતમાં પુરઝડપે ફોર્ડ કારચાલકે જોરદાર ટક્કર મારતા એ‌િકટવા 200 મીટર સુધી ઘસડાયું હતું. અકસ્માતમાં ધર્મેશભાઇ શાહનું ઘટનાસ્થળે મોત થયું હતું ત્યારે તેની પત્ની રુચાબહેનને ગંભીર ઇજાઓ પહોંચતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં
ખસેડાયા હતા.

અકસ્માત કરીને કારચાલક અને તેના ત્રણ મિત્રો ફરાર થવા જઇ રહ્યા હતા તે સમયે લોકોના ટોળાઓએ કારચાલાક અને તેના એક મિત્રને પકડી પાડ્યો હતો અને તેની મેથીપાક ચખાડ્યો હતો. ઘટનાની જાણ બી ડીવીઝન પોલીસને થતા તે ઘટના સ્થળ ઉપર આવી ગઇ હતી અને ડ્રાઇવરની ધરપકડ કરી હતી. પોલીસની પુછપરછમાં ડ્રાઇવરનું નામ ભરત નાનજીભાઇ રાઠોડ (રહે. ગાંધીનગરનો ટેકરો, જૂના વાડજ) હોવાનું સામે આવ્યું છે.

બી ડીવીઝનના પોલીસ ઇન્સ્પેક્ટર બી.જી.ભટ્ટે જણાવ્યું છે કે ભરત રાઠોડ ચીક્કાર દારૂ પીધેલી હાલતમાં હતો. કાર ફાયર સેફ્ટીનો ધંધો કરતા અમિત મિશ્રાની છે અને ભરત ડ્રાઇવરનું કામ કરે છે. ગઇ કાલે ભરત પાલનપુરથી અમદાવાદ પરત આવતા તેના મિત્રોને બેસાડીને કાર અમિત મિશ્રાના ઘરે મૂકવા ગયો હતો. ભરત દારૂના નશામાં હતો ત્યારે તેને કાર હંકારીને ધર્મેશના એ‌િક્ટવાને ટક્કર મારી હતી. આ ઘટનામાં અકસ્માત તથા ડ્રિંક એન્ડ ડ્રાઇવની ફરિયાદ દાખલ કરીને ધર્મેશની ધરપકડ કરી છે.

મોડી રાતે ભરતે અકસ્માત કરીને ભાગવાની કોશિશ કરી હતી ત્યારે કારમાં ભરત સિવાય તેના ત્રણ મિત્રો પણ હતા સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર ભરત અને તેના ત્રણ મિત્રો ભાગવાની કોશિષ કરી રહ્યા હતા ત્યારે ભરત અને તેના એક મિત્રને લોકોના ટોળાએ પકડી પાડ્યા હતા ત્યારે બે મિત્રો નાસી છુટવામાં સફળ રહ્યા હતા. પોલીસ ભરત અને તેના મિત્રની ધરપકડ કરી છે. ત્યારે અન્ય બે મિત્રોને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે

ફરિયાદી મેહુલ શાહે જણાવ્યું છે કે ધર્મેશભાઇ કાલુપુર ટંકશાળની પોળમાં ઇ‌િમટેશનની દુકાન છે. પાંચ વર્ષ પહેલા તેમના લગ્ન અંકુર મીરામ્બીકા રોડ પર આવેલી એક સોસાયટીમાં રહેતા રુચાબહેન શાહ સાથે થયા હતા. છેલ્લે ઘણા વર્ષથી રુચાબહેનના પપ્પા પ્રતાપભાઇ તેમની ફે‌િમલી સાથે પુણેમાં રહે છે. જેથી મીરામ્બીકા રોડ ઉપરનું તેમનું મકાન બંધ હોય છે. દર અઠવાડીયે બેથી ત્રણ વખત રુચાબહેન તથા ધર્મેશભાઇ મકાનની દેખરેખ રાખવા માટે જતા હોય છે ગઇ કાલે મોડી રાતે મકાનની દેખરેખ માટે આંટો મારવા ગયા હતા અને આ અકસ્માત બન્યો હતો.

You might also like