હિટ એન્ડ રન : બાઇકસવાર ત્રણ યુવાનોનાં કમકમાટીભર્યા મોત થતાં અરેરાટી

અમદાવાદ: બોડેલી નજીક નર્મદા કેનાલ રોડ પર સાલપુરા ગામ પાસે બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં ત્રણ યુવાનોનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત થતા અરેરાટી ફેલાઇ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ અંગેની વિગત એવી છે કે બોડેલી તાલુકાના ગરોલ ગામના રહીશ કરણ બારિયા, વિનોદ બારિયા અને સાજન નામના ત્રણ યુવાનો બાઇક પર ગરોલથી બોડેલી તરફ નર્મદા કેનાલ રોડ પર આવેલા સાલપુરા ગામ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે પાછળથી પુરઝડપે આવેલા કોઇ અજાણ્યા વાહનચાલકે બાઇકને અડફેટે લઇ જોરદાર ટક્કર મારતા આ ત્રણેય યુવાનો રોડ પર પટકાયા હતા. જેમાંથી કરણ અને વિનોદનું ગંભીર ઇજા થવાથી ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે અન્ય એક યુવાનનું વડોદરાની હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થયું હતું આ ઘટનાએ ભારે અરેરાટીની લાગણી જન્માવી છે.

આ ઉપરાંત મોડાસા તાલુકાના દાવલી સ્ટેન્ડ નજીકના રોડ પર વહેલી સવારે ખાનગી ટ્રાવેલ્સની લકઝરી બસ અને ટ્રક વચ્ચે જોરદાર ધડાકા સાથે અકસ્માત થયો હતો. ખીચોખીચ મુસાફરોથી ભરેલી બસને અકસ્માત નડતા મુસાફરોએ બચાવો બચાવોની ચીચીયારીઓ પાડતા વાતાવરણમાં ગમગીની છવાઇ હતી. જોકે ડ્રાઇવરે સમયસૂચકતા વાપરી બસને રોડની એક તરફ લઇ લેતા બસમાં બેઠેલ ૪૦ મુસાફરોનો અદ્દભુત બચાવ થયો હતો. પોલીસે આ અંગે આગળની તપાસ હાથ ધરી છે.

You might also like