વૈષ્ણોદેવી સર્કલ પાસે હિટ એન્ડ રનઃ બાઈકચાલકનું મોત

અમદાવાદ: શહેરનો સરખેજ-ગાંધીનગર હાઇવે હવે અકસ્માતનો ઝોન બની રહ્યો છે. હાઇવેે પર બેફામ ગતિએ દોડતાં વાહનોની ટક્કરથી રાહદારી અને વાહનચાલક સાથે અકસ્માતો બને છે અને લોકો મોતને ભેટે છે. ઇસ્કોનબ્રિજ નજીક કારની અડફેટે વૃદ્ધાના મોતની ઘટના હજુ તાજી જ છે ત્યાં વૈષ્ણોદેવી સર્કલ નજીક આજે સવારે અજાણ્યા વાહનની અડફેટે એક બાઇકચાલકનું મોત નીપજ્યું છે. આ અંગે અડાલજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વૈષ્ણોદેવી સર્કલ નજીકથી આજે સવારે ૧૦-૦૦ વાગ્યાની આસપાસ એક બાઇકચાલક પોતાનું બાઇક લઇને પસાર થઇ રહ્યો હતો. આ દરમિયાન પુરઝડપે આવેલ એક વાહનચાલકે બાઇકચાલકને ટક્કર મારતાં બાઇકચાલક નીચે પટકાયો હતો અને તેને શરીરના ભાગે ગંભીર ઇજાઓ થઇ હતી.

બાઇકચાલકને લોકોએ તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં તેનું મોત નીપજ્યું હતું. આ અંગે અડાલજ પોલીસને જાણ થતાં અડાલજ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઇ હતી.

You might also like