ટાટા નેનો ઈતિહાસ બની જશેઃ માર્ચમાં એક પણ કાર વેચાઈ નહીં

(એજન્સી)નવી દિલ્હી: એક જમાનામાં સામાન્ય માનવીની કાર ગણાતી નેનોનું ભાવિ હવે અંધકારમય બની ગયું છે. ટાટા મોટર્સ દ્વારા સતત ત્રીજા મહિને નેનોનું પ્રોડક્શન કરવામાં આવ્યું નથી. શેરબજારને આપવામાં આવેલી જાણકારી અનુસાર ટાટા મોટર્સે જણાવ્યું છે કે માર્ચ મહિનામાં એક પણ નેનો કારનું વેચાણ થયું નથી.

આમ હવે ટાટાની નેનો કાર ઇતિહાસ બનવાની તૈયારીમાં છે, જોકે ટાટા મોટર્સે જણાવ્યું છે કે નેનો ભવિષ્યને લઇને હજુ કોઇ નક્કર નિર્ણય લેવાયો નથી. વર્તમાન સ્થિતિમાં ટાટા નેનો નવા સુરક્ષા અને ઉત્સર્જન માપદંડોને અનુરૂપ નથી અને તેનું ઉત્પાદન જારી રાખવા માટે નવા મૂડીરોકાણની જરૂર પડશે.

કંપનીએ જણાવ્યું છે કે માર્ચમાં એક પણ નેનો કાર વેચાઇ નથી કે એક પણ કારનું નવું ઉત્પાદન થયું નથી. ગઇ સાલ માર્ચમાં કંપનીએ ૩૧ નેનોનું ઉત્પાદન કર્યું હતું અને તેમાંથી ૨૯ કારનું વેચાણ થયું હતું. અહેવાલ અનુસાર આ વર્ષે ઓક્ટોબરમાં નવા સુરક્ષા માપદંડ આવશે અને તેથી કંપની ૨૦૨૦માં તેનું પ્રોડક્શન બંધ કરી શકે છે.

You might also like