ઇતિહાસના પાનેથી… 1959: ભારત પાંચમાંથી ત્રણ ટેસ્ટ ઇનિંગ્સથી હાર્યું

૧૯૫૯માં પહેલી વાર ભારતીય ટીમ પાંચ ટેસ્ટ મેચની શ્રેણી રમવા ઈંગ્લેન્ડના પ્રવાસે ગઈ હતી, પરંતુ આ વખતે પણ ભારતની હાલત પાછલા બધા પ્રવાસ જેવી ખરાબ જ રહી. એ ટેસ્ટ શ્રેણીમાં ભારતની ક્લીન સ્વીપ થઈ અને ઈંગ્લેન્ડે પહેલી વાર પાંચ મેચની ટેસ્ટ શ્રેણીના બધા મુકાબલા જીતી લીધા.

પરિસ્થિતિ એવી રહી હતી કે દત્તા ગાયકવાડના નેતૃત્વવાળી ભારતીય ટીમનો પાંચમાંથી ત્રણ ટેસ્ટમાં ઇનિંગ્સથી પરાજય થયો. વિન્ડીઝ સામે ઘરેલુ ટેસ્ટ શ્રેણીમાં પરાજય બાદ ભારતીય ટીમમાં એક સારા કેપ્ટનની ઊણપ જણાઈ રહી હતી. વીનુ માંકડ, હેમુ અધિકારી અને ગુલામ અહેમદ નિવૃત્તિ લઈ ચૂક્યા હતા. એ સમયે દત્તા ગાયકવાડને ભારતીય ટીમના કેપ્ટન બનાવી દેવાયા હતા, પરંતુ તેઓ એ જવાબદારી સંભાળી શક્યા નહીં.

શ્રેણીમાં નરી કોન્ટ્રાક્ટરે ભારત તરફથી સૌથી વધુ ૨૩૩ રન બનાવ્યા, જ્યારે સુભાષ ગુપ્તેએ સૌથી વધુ ૧૭ વિકેટ ઝડપી, પરંતુ ઈંગ્લેન્ડના ફ્રેડ ટ્રુમેનનો જલવો શ્રેણી દરમિયાન જોવા મળ્યો અને તેણે શ્રેણીમાં સૌથી વધુ ૨૨ વિકેટ ઝડપી અને શ્રેણીનો હીરો બની રહ્યો.

1967: દિગ્ગજો હોવા છતાં ભારતની ખરાબ હાલત
ઈંગ્લેન્ડના બધા પ્રવાસ દરમિયાન ભારતીય ટીમની હાલત ખરાબ જ રહી હતી, પરંતુ ૧૯૬૭માં મન્સૂર અલી ખાન પટૌડીની કેપ્ટનશિપમાં ભારતીય ટીમ પાસેથી ઈંગ્લેન્ડમાં સારા દેખાવની આશા રાખવામાં આવી હતી. મન્સૂરના પિતા ૧૯૪૬માં ઈંગ્લેન્ડનો પ્રવાસ કરનારી ભારતીય ટીમના કેપ્ટન હતા.

ટીમમાં ફારુખ એન્જિનિયર, બિશનસિંહ બેદી, ચંદૂ બોરડે અને ભાગવત ચંદ્રશેખર જેવા દિગ્ગજ ખેલાડી હતા, પરંતુ ટીમને ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં ફરી એક ક્લીન સ્વીપનો સામનો કરવો પડ્યો.

પ્રથમ ટેસ્ટમાં બોયકોટની બેવડી સદની મદદથી ઈંગ્લેન્ડે ૫૫૦ રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો, જેના જવાબમાં ભારતની પહેલી ઇનિંગ્સ માત્ર ૧૬૪ રનમાં જ સમેટાઈ ગઈ અને ભારતીય ટીમનો ફોલોઓન માટે મજબૂર થવું પડ્યું.

ભારતે બીજી ઇનિંગ્સમાં કેપ્ટન મન્સૂર અલી ખાન (૧૪૮)ની સદીના દમ પર ૫૧૦ રનનો સ્કોર તો નોંધાવ્યો, પરંતુ ઈંગ્લેન્ડે ૧૨૫ રનના લક્ષ્યને આસાનીથી હાંસલ કરી લીધું. ત્યાર બાદ ઈંગ્લેન્ડે લોર્ડ્સ અને એજબેસ્ટનમાં રમાયેલી બંને ટેસ્ટ પણ જીતી લીધી અને શ્રેણી પર ૩-૦થી કબજો જમાવી દીધો.

You might also like