ઇતિહાસ રચવા ઊતરશે ટીમ ઇન્ડિયાઃ ધોની બદલો લેશે

ધર્મશાલાઃ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ શ્રેણી પૂરી થઈ ચૂકી છે. હવે નજર વન ડે શ્રેણી પર છે. ટીમનું નેતૃત્વ હવે મહેન્દ્રસિંહ ધોનીના હાથમાં છે. કેપ્ટનની સાથે સાથે ટીમ ઇન્ડિયા પણ બદલાઈ ગઈ છે. એવામાં સવાલ એ છે કે શું વિરાટે જે કરી દેખાડ્યું તે ધોની કરી શકશે? કોહલીએ ૫૦૦મી ટેસ્ટમાં જીત બાદ ન્યૂઝીલેન્ડની ક્લીન સ્વીપ કરી હતી.

હવે જીતો ૯૦૦મી વન ડે
૧૬ ઓક્ટોબરે ધર્મશાલામાં ટીમ ઇન્ડિયા ઇતિહાસ રચવા માટે મેદાનમાં ઊતરશે. ટીમ ઇન્ડિયા પહેલી એવી ટીમ છે, જે ૯૦૦મી વન ડે મેચ રમશે. જે અંદાજમાં િવરાટની ટીમે ૫૦૦મી ટેસ્ટ યાદગાર બનાવી હતી, કંઈક એમ જ ધોનીના ધુરંધર ૯૦૦મી વન ડેને સોનેરી અક્ષરોમાં ઇતિહાસનો હિસ્સો બનાવવા ઇચ્છે છે અને ફક્ત આ મેચમાં જ નહીં, બલકે પાંચ વન ડે મેચની શ્રેણીમાં ન્યૂઝીલેન્ડને ધૂળ ચટાડવાની તૈયારીમાં છે મહેન્દ્રસિંહ ધોની, પરંતુ ટેસ્ટ શ્રેણીમાં મળેલી જીતનું પુનરાવર્તન કરવું ધોની માટે એટલું આસાન નહીં હોય.

વન ડે શ્રેણી આસાન નહીં હોય
ન્યૂઝીલેન્ડની ટીમ વન ડે શ્રેણીમાં ધોનીની કેપ્ટનશિપ અને તેના વર્તમાન ફોર્મની આકરી પરીક્ષા લેશે. ધોનીની કેપ્ટનશિપમાં ટીમ ઇન્ડિયા પાછલી છ માંથી ફક્ત એક જ શ્રેણી પોતાનાં નામે કરી શકી છે, એ પણ ઝિમ્બાબ્વે જેવી નબળી ટીમ સામે. સાઉથ આફ્રિકાએ તો ભારતમાં આવીને વન ડે શ્રેણીમાં ટીમ ઇન્ડિયાને હરાવી હતી, એ પણ ટેસ્ટ શ્રેણી હાર્યા બાદ. જોકે પાછલા ૨૦ મહિનાથી ભારતીય ટીમ મોટા ભાગે વિદેશમાં જ વન ડે શ્રેણી રમી છે. પૂરા એક વર્ષ બાદ ધોનીની ટીમ પોતાના ઘરઆંગણે વન ડે શ્રેણી રમશે અને ઘરઆંગણે ધોનીની ટીમને પડકારવી ન્યૂઝીલેન્ડ માટે એટલું આસાન પણ નહીં હોય.

ક્લીન સ્વિપ કરીને ધોની બદલો લેશે
આ શ્રેણી કેપ્ટન ધોની માટે બદલાની શ્રેણી બની રહેશે. જાન્યુઆરી ૨૦૧૪માં ધોનીની ટીમ ન્યૂઝીલેન્ડના પ્રવાસે ગઈ હતી, જ્યાં તેને વન ડે શ્રેણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ધોનીને જૂનો હિસાબ કરવાની તક મળી છે. ટીમ ઇન્ડિયા અત્યાર સુધી પોતાના ઘરઆંગણે ન્યૂઝીલેન્ડ સામે ક્યારેય હારી નથી. ધોની આ રેકોર્ડને જાળવી રાખવા ઇચ્છશે, ખાસ કરીને ત્યારે કે જ્યારે આપણે ટેસ્ટ શ્રેણીમાં ક્લીન સ્વિપ કરી ચૂક્યા છીએ.

You might also like