પાસપોર્ટ બનશે કલરફૂલઃ દરેક પેજ પર ઐતિહાસિક સ્મારકનો ફોટો છપાશે

અમદાવાદ: ભારતનું વિદેશ મંત્રાલય પાસપોર્ટની ડિઝાઇનમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે આવનારા દિવસોમાં નવા ઇશ્યૂ થનારા પાસપોર્ટમાં ભારતનાં વિવિધ જાણીતાં સ્મારકના ફોટા પ્રિન્ટ કરાશે તેમજ પાસપોર્ટ કલરફુલ બનશે.

પાસપોર્ટ કચેરીનાં સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ નવા ઇશ્યૂ થનારા પાસપોર્ટ કલરફુલ હોવા ઉપરાંત બુકલેટના દરેક પેજ પર દેશનાં વિવિધ ઐતિહાસિક સ્મારકો એમ્બોસ કરાશે. પાસપોર્ટમાં દરેક રાજ્યનાં સ્મારકોને સ્થાન અપાશે. જોકે પાસપોર્ટના પ્રિન્ટિંગની કામગીરી કેન્દ્રીય નાણાં વિભાગ સંભાળે છે તેથી નવાં રંગરૂપ સાથેના પાસપોર્ટ ઇશ્યૂ કરવામાં થોડો સમય લાગશે.

અમદાવાદ પાસપોર્ટ કચેરીનાં સૂત્રોએ જણાવ્યું કે અમેરિકાના પાસપોર્ટમાં ઐતિહાસિક સ્થળોના ફોટા પ્રિન્ટ કરેલા હોય છે. ભારતનું વિદેશ મંત્રાલય પણ પાસપોર્ટમાં સ્મારકોનો સમાવેશ કરાશે, કેમ કે પાસપોર્ટ એ કોઈ પણ દેશની આગવી ઓળખ સમાન ગણાય છે, જોકે પાસપોર્ટમાં પ્રિન્ટ કરવા માટે કયાં સ્મારકોનો સમાવેશ કરવો તેની વિચારણા ચાલી રહી છે. ભારતીય પાસપોર્ટ ૩૬ પેજનો હોય છે. હાલ ચાલતી વિચારણા મુજબ દરેક રાજ્યનાં બે સૌથી વધુ જાણીતાં સ્મારકોને બુકલેટમાં પ્રિન્ટ કરાશે.

You might also like