ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા માટે ઐતિહાસિક રહ્યું ૨૦૧૫નું વર્ષ

નવી દિલ્હીઃ સાનિયા મિર્ઝા માટે ૨૦૧૫નું વર્ષ ઉપલબ્ધિઓથી ભર્યું ભર્યું રહ્યું, જેમાં તે મહિલા ડબલ્સ ગ્રાન્ડસ્લેમ ખિતાબ જીતનારી પહેલી ભારતીય મહિલા બની અને ડબલ્સ ટેનિસ રેન્કિંગમાં નંબર વન સુધી પહોંચી, જ્યારે યુકી ભાંબરી પણ નવા અવતારમાં જોવા મળ્યો.

સાનિયાએ માર્ચમાં સ્વિટ્ઝર્લેન્ડની માર્ટિના હિન્ગિસ સાથે જોડી બનાવી અને બંનેનો તાલમેલ ગજબનો રહ્યો. બંનેએ પોતાની પહેલી જ ટૂર્નામેન્ટ ઇન્ડિયન વેલ્સમાં ખિતાબ જીત્યો અને સત્રની સમાપ્તિ સુધી પોતાનો દબદબો જાળવી રાખ્યો. ચાર્લ્સટન સિઝનની સતત ત્રીજી જીત હાંસલ કરવાની સાથે જ સાનિયા ડબલ્સ રેન્કિંગમાં ટોચ પર પહોંચી અને એ રેન્કિંગ જાળવી રાખ્યું. સિઝનની સમાપ્તિ સુધી બંનેએ નવ ખિતાબ પોતાના નામ પર કરી લીધા, જેમાં વિમ્બલ્ડન, અમેરિકન ઓપન અને સિઝનની અંતિમ ડબલ્યુટીએ ફાઇનલ્સ સામેલ છે. સાનિયા-હિન્ગિસ એકસાથે ૧૬ ટૂર્નામેન્ટમાં રમ્યા અને તેમનો જીત-હારનો રેકોર્ડ ૫૫.૭ રહ્યો.

ટેનિસ સિંગલમાં ભારતને જોકે એટલી સફળતા મળી નહીં, પરંતુ એ ભૂલવું ના જોઈએ કે ટેનિસ ડબલ્સમાં પણ લિએન્ડર પેસ અને મહેશ ભૂપતિ બાદ સાનિયાના રૂપમાં વધુ એક ચેમ્પિયનને પેદા કરવામાં બારતને લગભગ ૧૫ વર્ષ લાગ્યાં. સાનિયાએ ૨૦૧૫માં કુલ ૧૦ ખિતાબ જીત્યા, જેમાં માર્ટિના હિન્ગિસ સાથે અને અેક અમેરિકાની બેથાની માટેક સેન્ડ્સ સાથે.

પુરુષ ટેનિસમાં દિલ્હીના યુકી ભાંબરીએ શાનદાર પ્રદર્શન કર્યું. તે પહેલી વાર સિંગલ રેન્કિંગમાં ટોપ-૧૦૦માં પહોંચ્યો, જેનાથી તેને ગ્રાન્ડસ્લેમમાં સીધો પ્રવેશ મળ્યો. સોમદેવ દેવ બર્મનનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું. પેસે માર્ટિના સાથે ત્રણ મિક્સ્ડ ડબલ્સ ખિતાબ જીતીને ઉપલબ્ધિઓનો સિલસિલો ચાલુ રાખ્યો. સાતમો ઓલિમ્પિક રમવાની તૈયારી કરી રહેલા લિએન્ડરે કોર્ટની બહાર પણ પડકારોનો સામનો કર્યો, જ્યારે ભૂતપૂર્વ જીવનસાથી રિયા પિલ્લઈ સામે પોતાની પુત્રીના કબજા માટે કાયદાકીય લડાઈ લડવી પડી.

આમ છતાં ટેનિસ કોર્ટ પર પેસે જબરદસ્ત પ્રદર્શન કર્યું, પરંતુ પુરુષ ડબલ્સમાં એ પ્રદર્શનનું પુનરાવર્તન કરી શક્યો નહીં. અલગ અલગ જોડીદારો સાથે ૨૬ ટૂર્નામેન્ટ રમીને ૪૨ વર્ષીય પેસ ફક્ત ત્રણ વાર ફાઇનલ સુધી પહોંચી શક્યો અને એકમાં જ જીત હાંસલ કરી શક્યો, જ્યારે ૧૫થી વધુ ટૂર્નામેન્ટમાં તે બીજા રાઉન્ડથી આગળ વધી શક્યો નહીં.

સિંગલ્સમાં યુકીએ સારું પ્રદર્શન કર્યું, જ્યારે સોમદેવ પોતાની લય હાંસલ કરી શક્યો નહીં. યુકીએ બે ચેલેન્જર સ્તરના સિંગલ્સ ખિતાબ જીત્યા અને પોતાનાથી વધુ સારી રેન્કિંગ ધરાવતા ખેલાડીને હરાવ્યા. ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહેલો સોમદેવ હવે રેન્કિંગમાં ૧૮૦મા સ્થાન પર છે. આશા રાખીએ કે નવા કોચ સાથે આગામી વર્ષે તે વધુ સારું પ્રદર્શન કરે.

You might also like