હિન્દુ સમાજે હંમેશા સફળતાનું સંરક્ષણ કર્યુ છે : આરએસએસ

અમદાવાદ : હિન્દુ સમાજ ક્યારેય વિનાશકારી બન્યો નથી, પરંતુ આ સમાજે હરહંમેશ સફળતાઓનું સંરક્ષણ કર્યું છે તેમ આજે આરએસએસના સહકાર્યવાહ ભૈયાજી જોષીએ જણાવ્યું હતું. આરએસએસના સહકાર્યવાહ ભૈયાજી જોષીએ આજે અમદાવાદમાં સામાજિક સદ્ભાવ બેઠકને સંબોધિત કરતા વધુમાં જણાવ્યું હતું કે, સમયાંતરે હિન્દુ સમાજમાં અમુક દોષ ઉભા થયા, કેમ કે હિન્દુ સમાજને પોતાની રક્ષા કરવી પડી. જેમાંનો એક દોષ જાતિ આધારિત ભેદભાવનો છે.

સામુહિક સ્તરથી બધાના પ્રયાસોથી સામાજિક ભેદભાવને દૂર કરી શકાશે. જો સમાજમાંથી જાતિ દૂર થઈ શકે તેમ ન હોય તો તેને ભુલવાનો પ્રયાસ કરો. ભુલવાનું પણ જો શક્ય ન હોય તો જાતિના આધાર પર ભેદભાવ કરવાનું બંધ કરો. હિન્દુ સમાજની સામે બીજો પડકાર સામાજિક ન્યાયનો છે. સામાજિક પ્રશ્નો અને સમસ્યાઓનું નિરાકરણ સમાજના અગ્રણીઓએ જ લાવવાનું હોય છે. સરકાર દ્વારા સામાજિક સમસ્યાઓનું નિરાકરણ શક્ય નથી.

સરકારે તો દારૃબંધીનો કાયદો બનાવી દીધો તેમ છતાં દારૃનો ઉપયોગ ઘટ્યો નથી. સરકારનું કામ ફક્ત નાગરિકોને સુવિધાઓ આપવાનું છે તેમ પણ તેમણે વધુમાં જણાવ્યું હતું. આરએસએસના સહકાર્યવાહ ભૈયાજી જોષીએ વધુમાં જણાવ્યું હતું કે, આપણા જીવન મૂલ્યોનું રક્ષણ ત્રીજો મોટો પડકાર છે. આ માટે આપણા સમાજમાં પરિવારની વ્યવસ્થા છે. પરિવારમાં જ બાળકોને સંસ્કાર મળે છે.

તેમણે ચાણક્યના સૂત્રોનું વિશ્લેષણ કરતા જણાવ્યું હતું કે મહિનાઓને આ સમાજ માનવી, પારકા ધનને માટી સમાન ગણવી અને જેવો હું છું તેનો જ તું છે જેવા સૂત્રોને માનનાર જ હિન્દુઓ છે. દેશ સમક્ષના સંકટોનો ઉલ્લેખ કરતા ભૈયાજી જોષીએ જણાવ્યું હતું કે, જો હિંસાચાર-ભ્રષ્ટાચાર, દુરાચાર અને મિથ્યાચારથી સમાજને સુરક્ષિત કરવો હશે તો સમાજમાં પરિવર્તન લાવીને જ કરી શકાશે. આ કાર્યક્રમનું સંચાલન સંઘના પ્રાંત કાર્યવાહ યશવંત ચૌધરીએ કર્યું હતું. જ્યારે પશ્ચિમ ક્ષેત્ર સંઘચાલક ડો. જયંતિ ભાડેસિયા, ગુહાન પ્રાંત સંઘ ચાલક મૂકેશ મલકાન વગેરે પણ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા.

You might also like