શાહઆલમના ડાહ્યાભાઈ પાર્કના રહીશોના સમર્થનમાં અન્ય સોસાયટીઓ આગળ આવી

અમદાવાદ: શાહઆલમ ટોલ નાકા પાસે આવેલી ડાહ્યાભાઇ પાર્ક સોસાયટીમાં હિંદુ વ્યકિતના નામે મુસ્લિમ બિલ્ડરે મકાન ખરીદવાનો મામલો વધુ વકર્યો છે. શાહઆલમ ટોલ નાકા પાસે આવેલી અંદાજિત 10 કરતાં વધુ સોસાયટીના રહીશો મુસ્લિમ કોમના લોકો હિંદુ સોસાયટીમાં મકાન ના ખરીદી શકે તે માટે એક થયા છે. હાલ આ મુસ્લિમ કોમના લોકો હિંદુના નામે મકાન ખરીદવાનો વિવાદ વધુ વકરતાં સમગ્ર વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતી સર્જાઇ છે. કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસે સતત પેટ્રોલિંગ વધારી દીધુ છે. ત્યારે વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય પ્રમુખ પ્રવીણ તોગડિયા પણ આ મામલે આવતી કાલે સોસાયટીની મુલાકાતે આવે તેવી શક્યતા છે.

દરમિયાન લોકોના રોષને જોઈને બિલ્ડર શરીફ ખાને જણાવ્યું હતું કે મકાન ખરીદનાર મનુ ડાભી સોસાયટીને મકાન પરત અાપી દેવા તૈયાર છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શાહઆલમ ટોલ નાકા પાસે આવેલી ડાહ્યાભાઈ પાર્ક સોસાયટીના બંગલા નં.૧ની ખુલ્લી જમીનમાં પ્રવેશવા મુદ્દે બે દિવસ પહેલાં મોડી રાતે અસલમખાન તથા અન્ય યુવકો સોસાયટીના સેક્રેટરી તથા પ્રકાશ શાહ અને તેના પુત્ર કેતન ઉપર જીવલેણ હુમલો કરીને ફરાર થઇ ગયા હતા. આ ઘટનામાં કાગડાપીઠ પોલીસ ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી જેમાં ગઇકાલે અસલમખાનની પોલીસે ધરપકડ કરી લીધી હતી.

ફરિયાદી પ્રકાશ શાહના આક્ષેપો અનુસાર, બંગલા નં.૧ના માલિક વિશાલ મહેતાએ ર૦૧૦માં સોસાયટીના સભ્યોની પરમિશન વગર મનુ ડાભીને મકાન વેચી દીધું હતું. એક કરોડ કરતા વધુમાં મકાન વેચી દેવાયું છે અને ૧૯ લાખનો દસ્તાવેજ કરવામાં અાવ્યો છે. મકાનને ઓગસ્ટ ર૦૧પમાં તોડી નાખ્યું હતું. જગ્યાએ નવું બાંધકામ ચાલુ થતાં સોસાયટીના સભ્યો સ્ટે લાવ્યા હતા. દરમિયાન તા.ર૧ જૂને બંગલા નં.૧ની ખુલ્લી જમીનમાં કોઈએ પ્રવેશ કરવો નહીં તેવી નોટિસનું બોર્ડ અસલમખાન ઉતારી દઈ તેની જગ્યાએ નવું બોર્ડ લગાવતો હતો. પ્રકાશ શાહ અને તેમના દીકરા કેતને તેને ટોકતાં અસલમખાન અને તેના સાગરીતોએ હુમલો કર્યો હતો.

સોસાયટીના રહીશોનો આક્ષેપ છે કે આ મકાન સોસાયટીના વિશાલે મનુ ડાભીને મકાન વેચી માર્યું હતું જોકે મનુ ડાભીએ નવાબ બિલ્ડર્સના શરીફખાન પઠાણને મકાનની પાવર ઓફ એટર્ની આપી છે. મનુ ડાભી શરીફખાન પઠાણના ત્યાં નોકરી કરે છે. ડાહ્યાભાઇ પાર્કની બાજુમાં ૬૦ વર્ષ જૂની ભક્ત વલ્લભ ધોળા વિદ્યા વિહાર નામની સ્કૂલ હતી.આ સ્કૂલ નવાબ બિલ્ડર્સે ખરીદી હતી અને ત્યાં શોપિગ સેન્ટર બનાવી રહ્યા છે. જોકે ત્રણ દુકાન ખાલી નહીં કરવાના મુદ્દે સ્ટે હોવાથી નવાબ બિલ્ડર શરીફખાને ડાહ્યાભાઇ પાર્કમાં હિંદુ યુવકના નામે મકાન ખરીધ્યું હતું.

આશાંત ધારો લાગુ પડતો હોવાના કારણે ડાહ્યાભાઇ પાર્કમાં નવાબ બિલ્ડરે હિંદુ વ્યકિતના નામે મકાન ખરીધ્યુ હતું. જેનો વિરોધ કરતાં આ બબાલ થઇ હતી. જોકે આ વિવાદ વધુને વધુ વકરી રહ્યો છે ગઇ કાલે મુસ્લિમે હિંદુ વ્યકિતના નામે મકાન ખરીદવાના મુદ્દે સોસાયટીના રહીશો રોડ ઉપર આવી જઇને દેખાવો કર્યો હતા. જેને લઇને અશાંત ધારાનો ભંગ શાહઆલમ ટોલ નાકા નજીક આવેલી સોસાયટીઓમાં પણ ના થાય તે મુદ્દે તમામ સોસાયટીના રહીશો ડાહ્યાભાઇ પાર્કના રહીશોના સર્મથનમાં આગળ આવ્યા હતા.

શાહઆલમ ટોલ નાકા પાસે આવેલી રામકૃષ્ણ સોસાયટી, મધુવન સોસાયટી, જ્યોતિ કોલોની, ભાવના સોસાયટી, ઉદય સોસાયટી, રણછોડરાય સોસાયટી, વસુંધરા સોસાયટી, નવનીત કોલોની તથા જૂના ઢોરબજાર ભીલ વાસના રહીશો તથા સોસાયટીના આગેવાનોએ ડાહ્યાભાઇ પાર્ક સોસાયટીના રહીશોને સમર્થન આપ્યું હતું અને એક લાખ કરતાં વધુ વ્યકિતઓની રેલી કરવાનું આયોજન કર્યુ હતું.

આ રેલીને લઇને કોઇ કોમ્યુનલ પ્રશ્ન ઊભો ના થાય તે માટે ઝોન-૬ના ડીસીપી આર.ટી.સુશ્રા સતત સોસાયટીના રહીશોના સપર્કમાં છે. ગઇ કાલે મોડી રાત સુધી ડીસીપીએ સોસાયટીના રહીશો જોડે મિટિંગ કરી હતી અને અંશાત ધારાનો ભંગ નહી થાય તેવી બાંયધરી આપી હતી. આ મુદ્દે ડીસીપી આર.ટી.સુશ્રાએ જણાવ્યું છે કે અસલમખાન સિવાય કોઇ પણ આરોપી હશે તેની ધરપકડ કરવામાં આવશે અને અશાંત ધારા હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવશે.

સોસાયટીના રહીશો શું કહે છે
અમારી આ લડતમાં આ વિસ્તારની આજુબાજુના ૧૦ સોસાયટીના રહીશો પણ અમારી સાથે જોડાયા છે હવે કોઇ મુસ્લિમ પરિવારને સોસાયટીમાં મકાન નહીં ખરીદવા દઇએ.
કીર્તિભાઇ બ્રહ્મભટ્ટ

વિશાલનો બંગલો લઇ લેતાં છેલ્લા એક મહિનાથી અમારી ગટરલાઇન બ્લોક કરી દીધી છે મ્યુનિ. કોર્પોરેશનમાં જાણ કરી હોવા છતાંય ગટર લાઇન ખોલતા નથી અમે પણ મુસ્લિમે મકાન ખરીદી લેતાં અમે પણ મકાન વેચવા કાઢ્યું છે.
યશવંતભાઇ પટેલ

અશાંત ધારા લાગુ પડી ગયો છે. અમે કોઇપણ હિસાબે મુસ્લિમ પરિવારને મકાન નહીં આપીએ આ મુદ્દે અમે લડત કરીશું.
જશીબેન પૂજારા

શરીફખાનના ઇશારે હુમલો થયો છે અને અમે ન્યાય માટે લડીશું અશાંત ધારો હોવાથી હિંદુને નામે મકાન ખરીદવાનું શરૂ કરવામાં આવ્યું છે.
કેતન શાહ

You might also like