ડાહ્યાભાઈ પાર્કના મકાનના વિવાદની તપાસ ACPને સોંપાઈ

અમદાવાદ: શાહઆલમ ટોલનાકા પાસે આવેલી ડાહ્યાભાઇ પાર્ક સોસાયટીમાં હિન્દુ વ્યકિતના નામે મુસ્લિમ ‌િબલ્ડર દ્વારા મકાન ખરીદવાના વિવાદાસ્પદ બનાવમાં કે ડિવિઝનના એસીપીને તપાસ સોંપાઇ છે. પોલીસે સોસાયટીના સેક્રેટરી તથા તેમના પુત્ર પર હુમલો કરનાર અસલમની ધરપકડ કરી લીધી છે. હુમલામાં બિલ્ડર શરીફખાન પઠાણની સંડોવણીના મુદ્દે અસલમની પૂછપરછ ચાલી રહી છે.

શાહઆલમ ટોલનાકા પાસે આવેલી ડાહ્યાભાઈ પાર્ક સોસાયટીના બંગલા નંબર-૧ની ખુલ્લી જમીનમાં પ્રવેશવા મુદ્દે ત્રણ દિવસ પહેલાં મોડી રાતે અસલમખાન તથા અન્ય યુવકોએ સોસાયટીના સેક્રેટરી પ્રકાશ શાહ અને તેમના પુત્ર કેતન ઉપર હુમલો કરીને ફરાર થઇ ગયા હતા. આ ઘટનામાં કાગડાપીઠ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી, જેમાં ગઇ કાલે અસલમખાનની પોલીસે ધરપકડ કરી લીધી હતી.

ફરિયાદી પ્રકાશ શાહના જણાવ્યા મુજબ બંગલા નંબર-1ના માલિક વિશાલ મહેતાએ 2010માં સોસાયટીના સભ્યોની પરમિશન વગર મનુ ડાભીને મકાન વેચી દીધું હતું. મકાનને ઓગસ્ટ-2015માં તોડી નાખ્યું હતું. તેની જગ્યાએ નવું બાંધકામ ચાલુ થતાં સોસાયટીના સભ્યો સ્ટે લાવ્યા હતા. દરમિયાન 21 જૂને બંગલા નંબર-1ની ખુલ્લી જમીનમાં કોઈએ પ્રવેશ કરવો નહીં તેવી નોટિસનું બોર્ડ અસલમ ખાન ઉતારી લઈ તેની જગ્યાએ નવું બોર્ડ લગાવતો હતો. પ્રકાશ શાહ અને તેમના દીકરા કેતને ટોકતાં અસલમ ખાન અને તેના સાગરીતોએ હુમલો કર્યો હતો.

સોસાયટીના રહીશોનો આક્ષેપ છે કે આ મકાન સોસાયટીના વિશાલે મનુ ડાભીને વેચી માર્યું હતું. મનુ ડાભીએ નવાબ ‌િબલ્ડર શરીફખાન પઠાણને પાવર ઓફ એટર્ની કરીને આપી દીધું છે. મનુ ડાભી શરીફખાન પઠાણના ત્યાં નોકરી કરે છે. ચોંકાવનારી વાત એ છે કે ડાહ્યાભાઇ પાર્કની બાજુમાં 60 વર્ષ જૂની ભક્તવલ્લભ ધોળા વિદ્યાવિહાર નામની સ્કૂલ હતી, જે સ્કૂલને નવાબ ‌િબલ્ડરે ખરીદી હતી અને ત્યાં શોપિંગ સેન્ટર બનાવી રહ્યા છે, જોકે ત્રણ દુકાન ખાલી નહીં કરવાના મુદ્દે સ્ટે હોવાથી નવાબ ‌િબલ્ડર શરીફખાને ડાહ્યાભાઇ પાર્કમાં હિન્દુ યુવકના નામે મકાન ખરીદ્યું છે.

અશાંત ધારો લાગુ પડતો હોવાના કારણે ડાહ્યાભાઇ પાર્કમાં બિલ્ડરે હિન્દુ વ્યકિતના નામે મકાન ખરીદ્યું હોવાના સોસાયટીના રહીશોનો  આક્ષેપ છે. આ કેસની તપાસ પીઆઇ પાસેથી લઇને કે ‌િડ‌િવઝનના એસીપી ચિંતન તારૈયાને સોંપાઇ છે.

You might also like