મુસ્લિમ બાળકોને કુરાન ભણાવી રહી છે ૧૮ વર્ષની હિંદુ છોકરી

અાગ્રા: સાંપ્રદાયિક દૃષ્ટિથી અશાંત દેખાતા પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં રોજ સાંજે ક્લાસ લાગે છે. અહીં એક હિંદુ છોકરી મુસ્લિમ બાળકોને કુરાનની તાલીમ અાપે છે. અાગ્રાના સંજયનગર સ્થિત એક મંદિરના પ્રાંગણમાં ખુલ્લામાં ચાલનારો અા ક્લાસ સંસ્કૃતિનું દુર્લભ દૃશ્ય છે અને તે અેક અાશા પણ જગાવે છે.

૧૨મા ધોરણમાં ભણતી ૧૮ વર્ષની પૂજા કુશવાહા રોજ સાંજે શિક્ષિકાની ભૂમિકા ભજવે છે. રોજ તે અા વિસ્તારનાં ૩૫ મુસ્લિમ બાળકોને કુરાનનો પાઠ ભણાવે છે. અરબીના અઘરા શબ્દોના સ્પષ્ટ અને યોગ્ય ઉચ્ચારણની સાથે પૂજા અેક એવા શિક્ષકની ભૂમિકા ભજવે છે, જેની ઇચ્છા દરેક બાળકનાં માતા-િપતાને હોય છે.

પૂજાની એક વિદ્યા‌‌િર્થની-પાંચ વર્ષની બાળકી અાલિસાની માતા રેશમા બેગમ કહે છે કે અાટલી નાની ઉંમરમાં સફળતા મેળવવી ખરેખર ગર્વની બાબત છે. પૂજા મારી દીકરીને ભણાવે છે તે માટે હું ખૂબ જ ખુશ છું. અમે અને અમારા જેવાં જેટલાં પણ માતા-પિતા પૂજાને અોળખે છે તેઅો કહે છે કે પૂજાનો ધર્મ તો સૌથી અંતમાં અાવે છે.

પૂજાઅે જણાવ્યું કે ઘણાં વર્ષ પહેલાં તમામ સંસ્કૃતિમાં વિશ્વાસ રાખનારી એક મહિલા અમારા વિસ્તારમાં રહેતી હતી. મુસ્લિમ પિતા અને હિંદુ માતાની પુત્રી સંગીતા બેગમ બાળકોને કુરાન ભણાવતી હતી. હું પણ ત્યારથી જ અા ધાર્મિક ગ્રંથમાં રસ લેવા લાગી અને તેમના ક્લાસમાં જવા લાગી. ધીમે ધીમે હું અાગળ વધતી ગઈ અને મેં ક્લાસમાં બધાંને પાછળ રાખી દીધાં.

કેટલાંક વ્યક્તિગત કારણથી સંગીતા બેગમને ક્લાસ છોડવો પડ્યો અને તેમણે પૂજાને અાગ્રહ કર્યો કે તે અા કામ ચાલુ રાખે. પૂજાઅે કહ્યું કે સંગીતા બેગમે મને ઇસ્લામનો એક મહત્ત્વપૂર્ણ સિદ્ધાંત શીખવ્યો હતો કે શિક્ષણ પ્રાપ્ત કરવાનું તો જ મહત્ત્વ છે, જો તમે તમારું જ્ઞાન વહેંચો. પૂજા બાળકોને ફ્રીમાં ભણાવે છે. તે કહે છે કે મોટા ભાગનાં બાળકો ગરીબ પરિવારમાંથી અાવે છે. મને અાપવા માટે તેમની પાસે પૈસા નથી અને હું લેવા પણ ઇચ્છતી નથી. બાળકોની સંખ્યા સતત વધવાથી મારું ઘર નાનું પડવા લાગ્યું ત્યારે વડીલોઅે તરત જ મંદિરના પ્રાંગણમાં ક્લાસ લેવાનું કહ્યું. પૂજાની મોટી બહેન નંદીની ગ્રેજ્યુઅેટ છે અને તે અા વિસ્તારનાં બાળકોને હિંદી ભણાવવાની સાથે ગીતાનું જ્ઞાન પણ અાપે છે.

You might also like