હિંદુ યુવતીએ મુસ્લિમ ગર્લ ફ્રેન્ડની કસ્ટડી મેળવવા હાઈકોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં

અમદાવાદ: લવ જેહાદ્દ અભિયાનની ઊલટી ગંગામાં એક હિંદુ યુવતીએ ગુજરાત હાઈકોર્ટનાં દ્વાર ખટખટાવીને પોતાની મુસ્લિમ ગર્લ ફ્રેન્ડનો કસ્ટડી માગી છે. ૨૩ વર્ષની મુસ્લિમ યુવતીએ હાઈકોર્ટને વારંવાર જણાવ્યું હતું કે તે જામનગરની પોતાની ફ્રેન્ડ સાથે ખુશ છે અને તેની સાથે જ રહેવા માગે છે. તેણે પોતાનાં માતા પિતા સાથે રહેવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. હાઈકોર્ટ આ બંને યુવતીઓનાં રહસ્યમય સંબંધો સમજવામાં લગભગ નિષ્ફળ ગઈ છે, કારણ કે આ બંને યુવતીઓએ હાઈકોર્ટ સમક્ષ માત્ર એટલું જણાવ્યું છે કે બંને વચ્ચે છેલ્લાં કેટલાંક વર્ષોથી મહિલાઓના પર્સ વેચવાના બિઝનેસના સંદર્ભમાં મિત્રતા છે.

હિંદુ યુવતીએ જે મુસ્લિમ યુવતીની કસ્ટડીની માગણી કરી છે, તે પુખ્ત હોવાથી પોતાનો નિર્ણય લઈ શકે છે. એવું હાઈકોર્ટે જણાવીને ઉમેર્યું હતું કે, અમને એ હજુ સુધી સમજાતું નથી કે અરજદારનો નિર્ણય પોતાના શ્રેષ્ઠ હિતમાં છે કે કેમ અને અરજદાર શા માટે પોતાની ગર્લ ફ્રેન્ડની કસ્ટડી મેળવવા માગે છે અને અરજદાર સ્વસ્થ મન સાથે પુખ્ત વયની યુવતી હોવાથી તેને પોતાની રીતે નિર્ણય લેવાની સ્વતંત્રતા છે, જે કાયદાનું જતન કરવા અદાલત પ્રતિબદ્ધ છે.

આ કેસમાં ભૂતકાળમાં પણ મુસ્લિમ યુવતીએ મુખ્ય ન્યાયમૂર્તિને પત્ર લખીને પોતાને પોતાના પરિવારની ચુંગાલમાંથી મુક્ત કરાવવા કોર્ટને દરમિયાન થવા વિનંતી કરી હતી. પરિવારમાં પોતાની યૌન શોષણ થતું હોવાનો યુવતીએ દાવો કર્યો હતો. આ યુવતીએ શહેરના એક એનજીઓને પણ એસોએસ મોકલ્યો હતો, પરંતુ તેણે પરિવારનાં દબાણને કારણે પોતાનું ઘર છોડવાનો ઈનકાર કર્યો હતો. થોડા મહિના બાદ આ યુવતીએ પોતાનું ઘર છોડી દીધું હતું અને એનજીઓના આશ્રયગૃહમાં પોતાની ચીજવસ્તુઓ સાથે સ્થળાંતર કર્યું હતું. એવું સૂત્રોએ જણાવ્યું હતું.

એનજીઓના આશ્રયગૃહમાં પોતાનાં રોકાણ દરમિયાન જામનગરથી પોતાની ફ્રેન્ડ ભેટ સોગાદો સાથે અવારનવાર મળવા આવતી હતી, તેની સામે એનજીઓએ વાંધો ઉઠાવ્યો હતો. ત્યાર બાદ એનજીઓ દ્વારા યુવતી સાથેના પોતાના સંબંધોમાં અવરોધો ઊભો કરવામાં આવતા જામનગરની યુવતીએ હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરીને પોતાની ફ્રેન્ડને છોડાવવા માટે કોર્ટની દરમિયાનગીરી માટે દાદ માગી હતી. જ્યારે હાઈકોર્ટે મુસ્લિમ યુવતીને તેની ઈચ્છા શું છે તે પૂછ્યું ત્યારે તેણે માત્ર એટલું જ જણાવ્યું હતું કે તે જામનગરમાં પોતાની ફ્રેન્ડ સાથે રહેવા માગે છે. હાઈકોર્ટે તેને આ માટે મંજૂરી આપી હતી.

મુસ્લિમ યુવતીએ આ કેસનો નિકાલ નહીં કરવા હાઈકોર્ટને વિનંતી કરીને પોતે એક મહિના બાદ અદાલતમાં પરત આવશે એવું જણાવ્યું હતું. આ મુજબ હાઈકોર્ટે તેને સોમવારે તેની સ્થિતિ અને ઈચ્છા જાણવા બોલાવી હતી. યુવતી સોમવારે હાઈકોર્ટમાં હાજર થઈ હતી અને દોહરાવ્યું હતું કે તેણે જામનગરમાં રહેવાનું પસંદ છે અને ત્યાં રહેવાનું ચાલુ રાખશે. તેણે એવું પણ જણાવ્યું હતું કે તેની ફ્રેન્ડ તેની સારી સારસંભાળ લે છે.

http://sambhaavnews.com/

You might also like