સંવિધાન સભામાં હિંદીને રાષ્ટ્રભાષા બનાવવાની ચર્ચા અંગ્રેજીમાં થઈ!!

નવી દિલ્હી: દેશને અાઝાદી મળ્યા બાદ જે મુદ્દો સૌથી મહત્વનો હતો તેમાં રાષ્ટ્રભાષા નક્કી કરવાનો મુદ્દો પણ હતો. દેશ અલગ-અલગ ભાષા અને બોલી બોલનારા જનસમુદાયમાં વહેચાયેલો હતો તેથી એ વાત શક્ય ન હતી કે કોઈ એક જ ભાષા પર અાખો દેશ સહમત થાય. ઉત્તર ભારતીય લોકો ઇચ્છતા હતા કે હિંદીને રાષ્ટ્રીય ભાષા બનાવવામાં અાવે. જ્યારે દક્ષિણ ભારતીય લોકો તેની સાથે સહમત ન હતા. અા બધા વિવાદોની વચ્ચે દેશના નીતિ ઘડનારાઅોઅે સંવિધાન બનાવવાનું શરૂ કર્યું. સંવિધાનની રૂપરેખા અંગ્રેજીમાં બની. સંવિધાનની ચર્ચા પણ મોટાભાગે અંગ્રેજીમાં જ થઈ. હિંદીને સમર્થન અાપતા મોટાભાગના લોકો પણ અંગ્રેજી ભાષામાં જ બોલ્યા.

૧૨ સપ્ટેમ્બર ૧૯૪૯ના રોજ સાંજે ૪ વાગે વિવાદો શરૂ થયા જે અાગામી બે દિવસ સુધી ચાલ્યા. અાખરે ૧૪ સપ્ટેમ્બર ૧૯૪૯ના દિવસે ચર્ચાઅો પૂરી થઈ. સંવિધાન સભામાં જે લોકોઅે હિંદીને રાષ્ટ્રભાષા બનાવવાની વકીલાત કરી તે લોકો પણ અંગ્રેજીમાં દલીલો કરતા રહ્યા. ખૂબ જ ચર્ચાઅો છતાં પણ સ્પષ્ટ પરિણામ ન અાવ્યું. ત્યારે સંવિધાન સભાના અધ્યક્ષ ડો. રાજેન્દ્રપ્રસાદે અંગ્રેજીમાં એક સંક્ષિપ્ત ભાષણ અાપ્યું. તેમને કહ્યું કે ભાષાના વિષયમાં અાવેશ ઉત્પન્ન કરવા કે ભાવનાઅોને ઉત્તેજિત કરવા માટે કોઈ અપીલ ન હોવી જોઈઅે.

ભાષાના પ્રશ્ન પર સંવિધાન સભાનો નિર્ણય અાખા દેશને માન્ય હોવો જોઈઅે. અાખરે ૧૪ સપ્ટેમ્બરની સાંજે ચર્ચાના અંતે ભાષા સંબંધિત સંવિધાનનો તત્કાલિન ભાગ સંવિધાનમાં સામેલ થઈ ગયો. ત્યારે ડો. રાજેન્દ્રપ્રસાદે પોતાના ભાષણમાં અભિનંદન અાપતાં કહ્યું કે અાજે પહેલીવાર એવું સંિવધાન બન્યું છે જ્યારે અાપણે અાપણા સંવિધાનમાં એક ભાષા રાખી છે જે સંઘના પ્રશાસનની ભાષા હશે. અંગ્રેજીના સ્થાને અાપણે એક ભારતીય ભાષાને અપનાવી છે. તેનાથી અાપણા સંબંધો ઘનિષ્ઠ થશે. અાપણી પરંપરાઅો એક છે. અાપણી સંસ્કૃતિ એક જ છે. અાપણી સભ્યતામાં તમામ વાતો એક સરખી છે. અાવા સંજોગોમાં અાપણે ભાષા પણ એક અપનાવવી પડશે.

You might also like