હિંદ મહાસાગરમાં ચીનનાં યુદ્ધ જહાજો-સબમરીન તહેનાત થતાં ભારતમાં ચિંતા

નવી દિલ્હી: સિક્કિમમાં ભારત-ચીન-ભૂતાન સરહદ પર ભારત અને ચીન વચ્ચે ઉગ્ર શાબ્દિક યુદ્ધ દરમિયાન ચીને હિંદ મહાસાગરમાં યુદ્ધ જહાજો અને સબમરીનો તહેનાત કરતાં ભારત ચિંતામાં મુકાઈ ગયું છે. હિંદ મહાસાગરમાં ચીનનાં યુદ્ધ જહાજો અને સબમરીનની વધતી જતી સંખ્યા અને પ્રવૃત્તિ પર ભારતીય નૌકાદળ બાજ નજર રાખી રહ્યું છે. છેલ્લા બે મહિનામાં ભારતના નેવલ સેટેલાઈટ રુકમનીએ (જીસેટ-૭) ભારતીય દરિયાઈ સીમામાં ઓછામાં ઓછાં ચીનનાં ૧૩ યુદ્ધ જહાજને ફરતાં જોયાં છે.

તેમાં આધુનિક લુયાંગ-૩નો પણ સમાવેશ થાય છે. જે મિસાઈલને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. આ ઉપરાંત યુઆન ક્લાસની એક સબમરીન પણ જોવા મળી છે. જે આ ક્ષેત્રમાં ઘૂસણખોરી કરનાર સાતમી સબમરીન છે.

ડિસેમ્બર ૨૦૧૩થી લઈને અત્યાર સુધી ચીન ક્યારેક અણુ સબમરીન તો ક્યારેક ડીઝલ ઈલેક્ટ્રિક સબમરીનને વારંવાર હિંદ મહાસાગરમાં તહેનાત કરે છે. ભારતીય નૌકાદળે ચીનના પિપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) દ્વારા ભારતીય દરિયાઈ સીમામાં વધતી જતી પ્રવૃત્તિઓ અને યુદ્ધ જહાજની તહેનાતી અંગે સાઉથ બ્લોકને વાકેફ કર્યું છે. સબમરીનની સાથે સાથે ચાઈનીઝ નૌકાસેના યુદ્ધ જહાજ ચોંગભિંગડાઓનો સપોર્ટ પણ જોવા મળ્યો છે.
http://sambhaavnews.com/

You might also like