જમ્મુ-કાશ્મીરમાં હિમસ્ખલન: પોલીસ પોસ્ટ બરફમાં દટાઈ ગઈ: ૬ પોલીસકર્મી સહિત ૧૦ લોકો લાપતા

(એજન્સી) શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના કૂલગામ જિલ્લામાં જવાહર સુરંગ નજીક શ્રીનગર-જમ્મુ નેશનલ હાઈવે પર હિમસ્ખલન થતાં પોલીસ પોસ્ટ બરફમાં દટાઈ ગઈ છે અને ૬ પોલીસકર્મી સહિત કુલ ૧૦ લોકો લાપતા બન્યા છે. ટોચના પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર કાજીગુંડમાં જવાહર સુરંગના ઉત્તર છેડા પર આ હિમસ્ખલન થયું છે. ત્યાં આવેલી પોલીસ પોસ્ટ આખી બરફમાં દટાઈ ગઈ છે અને તેમાં કેટલા પોલીસકર્મી ફસાયા છે તેની હજુ કોઈ જાણકારી મળી શકી નથી.

હિમસ્ખલન થયું ત્યારે પોલીસ પોસ્ટમાં કુલ ર૦ વ્યક્તિઓ હાજર હોવાના અહેવાલ મળ્યા છે. સેનાના જવાનોએ સ્થાનિક લોકો અને એનડીઆરએફ સહિતની એજન્સીઓની મદદથી ૧૦ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે, જ્યારે અન્ય ૧૦ લોકોની શોધખોળ હજુ ચાલી રહી છે. ગાયબ થયેલા ૧૦ લોકોમાં ૬ પોલીસકર્મી, ફાયર બ્રિગેડના બે કર્મચારી અને બે સ્થાનિક રહીશોનો સમાવેશ થાય છે.

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે પોલીસ બચાવદળ અને અન્ય એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી ગયાં છે. કાશ્મીર ઘાટીમાં બુધવારથી જ ભારે બરફવર્ષા થઈ રહી છે. છેલ્લા ર૪ કલાકમાં કૂલગામ જિલ્લામાં સૌથી વધુ હિમપ્રપાત થયો છે. જિલ્લાના કેટલાક વિસ્તારમાં તો પાંચ ફૂટ સુધી બરફ પડ્યો છે. સ્નો એન્ડ એવલાન્સ સ્ટડી એસ્ટાબ્લિશમેન્ટે આગામી ર૪ કલાક સુધી જમ્મુ-કાશ્મીરના રર જિલ્લામાંથી ૧૬ માટે વિભિન્ન સ્તરના હિમસ્ખલનની ચેતવણી જારી કરી છે. ૭૮ પરિવારોને આ ક્ષેત્રમાંથી સલામત રીતે રેસ્ક્યૂ કરીને બચાવી લેવાયા છે.

કૂલગામના એસએસપી હરમીતસિંહ મહેતાએ જણાવ્યું કે પોલીસ પોસ્ટમાં ૧૮ પોલીસકર્મી સહિત કુલ ર૦ લોકો હાજર હોવાની માહિતી અમને મળી છે. હાલ બચાવ કામગીરી પુરજોશમાં ચાલી રહી છે અને લાપતા બનેલા પોલીસકર્મી સહિતના લોકોને શોધવા માટે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ ઉપરાંત અનંતનાગ, રિયાસી અને રામસૂમાં બરફવર્ષા તથા ઠંડીના કારણે ત્રણ લોકોનાં મોત થયાં છે.

રાજધાની દિલ્હી અને એનસીઆર સહિતના વિસ્તારોમાં જોરદાર કરા પડ્યા છે અને તોફાની પવન શરૂ થઈ ગયો છે. હવામાનમાં આવેલા ઓચિંતા પલટાના કારણે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવનારી ૩૮ ફ્લાઈટના રૂટમાં ફેરફાર કરવો પડ્યો છે.

દિલ્હીમાં એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું કે ઈન્દિરા ગાંધી એરપોર્ટ પર આવતી અને જતી અનેક ફ્લાઈટ પર હવામાનની અસર થઈ છે. તોફાની પવન, ગાઢ ધુમ્મસ અને કરા પડવાના કારણે બોમ્બાર્ડિયર અને એટીઆર વિમાનોના રૂટ બદલવાની ફરજ પડી હતી.

દિલ્હી અને એનસીઆરમાં ગઈ કાલ સાંજથી જ કાશ્મીર જેવું હવામાન થઈ ગયું છે. ભારે વરસાદ અને કરા પડવાથી દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં કડકડતી ઠંડીનો અનુભવ પણ થયો છે. દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ અને ફરીદાબાદના કેટલાક વિસ્તારમાં કરા પડ્યા હતા.

હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ૪૮ કલાક સુધી દિલ્હી-એનસીઆરનું હવામાન આવું ઠંડું જ રહેશે અને હજુ ભારે વરસાદ થઈ શકે છે. સ્થાનિક લોકોને કાતિલ ઠંડી માટે તૈયાર રહેવાની ચેતવણી પણ જારી કરવામાં આવી છે.

You might also like