હિમાચલ, પંજાબ, જમ્મુમાં વાવાઝોડા સાથે ભારે વરસાદઃ રપથી વધુનાં મોત

નવી દિલ્હી: હિમાચલ પ્રદેશ, પંજાબ, બિહાર અને જમ્મુમાં વાવાઝોડા સાથે ભારે વરસાદના કારણે રપ કરતાં વધુનાં મોત થયાં છે. હિમાચલ પ્રદેશમાં ઔદ્યોગિક ક્ષેત્ર બદી (સોલન) પરથી પસાર થયેલ વાવાઝોડાના કારણે એક કંપનીની પ૦ ફૂટ લાંબી અને ર૦ ફૂટ ઊંચી દીવાલ ઝૂંપડપટ્ટી પર ધરાશાયી થતાં સર્જાયેલી દુર્ઘટનામાં ત્રણ પરિવારના આઠ લોકોનાં મોત થયાં હતાં અને સાતને ગંભીર ઇજા પહોંચી હતી, તેમાં બે પરિવારના ત્રણ-ત્રણ સભ્યનો સમાવેશ થાય છે.

જમ્મુમાં આવેલ ઝંઝાવાતી આંધી અને તોફાને ભારે તારાજી અને તબાહી સર્જી છે, તેમાં પાંચ લોકોનાં મોત થયાં હતાં. બીજી બાજુ પંજાબમાં વરસાદથી ત્રણ મકાનોની છત તૂટી પડતાં ચારનાં મોત થયાં હતાં, જ્યારે બિહારમાં તોફાનના કારણે આઠ લોકોએ જીવ ગુમાવ્યાે હતાે. હિમાચલ પ્રદેશના ચુરાહના કુમોઠા ગામે વાદળ ફાટવાથી છ ઘરને નુકસાન પહોંચ્યું હતું. સદ્નસીબે લોકો અગાઉથી જ ખતરાને ધ્યાનમાં રાખીને ઘર છોડી બહાર નીકળી ગયા હતા. આ દરમિયાન બિહારની રાજધાની પટણા સહિત વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો.

પૂૂર્વ બિહાર, કોશી અને ‌સીમાંચલ પ્રદેશમાં બપોર બાદ થયેલા વરસાદના કારણે આઠનાં મોત થયાં હતાં. પૂર્ણિયામાં ચાર, મધેપુરામાં બે અને ઝુમઇ તથા લખીસરાઇમાં એક-એક વ્યકિતનાં વીજળી પડવાના કારણે મોત થયાં હતાં. પંજાબમાં વરસાદના કારણે ચારનાં મોત થયાં હતાં. બુધવારે સવારથી જ આંધી સાથે પડેલા વરસાદના કારણે અનેક જિલ્લાઓમાં ભારે નુકસાન થયું હોવાના અહેવાલો મળી રહ્યા છે. મોગા અને સંગરુરમાં ત્રણ મકાનોની છત તૂટવાથી ચારનાં મોત થયાં હતાં અને આઠ ઘાયલ થયા હતા.
http://sambhaavnews.com/

You might also like