ભારત-પાક. મેચમાં અમે સુરક્ષા નહીં આપી શકીએ

સિમલાઃ ધર્મશાલામાં ક્રિકેટ મેચ દરમિયાન ક્રિકેટરો માટે સુરક્ષાવ્યવસ્થાનું નિરીક્ષણ કરવા આવેલી પાકિસ્તાનની સુરક્ષા ટીમ સમક્ષ કોંગ્રેસી મુખ્યપ્રધાન વીરભદ્રસિંહે સ્પષ્ટ શબ્દોમાં પોતાની અસમર્થતા જાહેર કરી દીધી છે. મુખ્યપ્રધાને કહ્યું કે અમારી સરકાર મેચની કોઈ ખાસ સુરક્ષા નહીં આપી શકે. ઉલ્લેખનીય છે કે આઇસીસી વર્લ્ડકપમાં ૧૯ માર્ચે હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિયેશનના સ્ટેડિયમ ધર્મશાલામાં ભારત-પાક. મેચ યોજાવાની છે.

સુરક્ષા કારણોથી પાકિસ્તાની ક્રિકેટ ટીમના અહીં રમવા પર સંશય પેદા થયો છે. ગત સપ્તાહે વીરભદ્રસિંહે કહ્યું કે તેની સરકાર પાકિસ્તાની ક્રિકેટ ટીમને સુરક્ષા ઉપલબ્ધ નહીં કરાવે. આ મુદ્દે કેન્દ્રીય ગૃહ મંત્રાલય આજે નવી દિલ્હીમાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી રહ્યું છે. આ બેઠકમાં બીસીસીઆઇના અધિકારી અને સુરક્ષાનું નિરીક્ષણ કરવા આવેલી પાકિસ્તાની ટીમના સભ્યો સામેલ થશે.

પાકિસ્તાન ક્રિકેટ ટીમના ધર્મશાલા પ્રવાસ વિરુદ્ધ ભૂતપૂર્વ સૈનિકો અને તેના પરિવાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેઓનું કહેવું છે કે પડોશી દેશ પાકિસ્તાન ભારતમાં સતત આતંકી હુમલા કરી રહ્યું છે, જેમાં ભારતના ઘણા જવાનો શહીદ થઈ ચૂક્યા છે. આ પરિસ્થિતિમાં પાકિસ્તાનને ધર્મશાલામાં રમવાની મંજૂરી કઈ રીતે આપી શકાય?

You might also like