હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદથી ૪૪ વર્ષ જૂનો પુલ તણાઈ ગયો

પઠાણકોટ: હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં ગઈ કાલે બપોરે ભારે વરસાદના કારણે 44 વર્ષ જૂનો પુલ પૂરમાં તણાઈ જતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટના વખતે હાજર રહેલા લોકોએ પત્તાંના મહેલની જેમ તૂટી ગયેલા આ પુલની ઘટનાને કેમેરામાં કેદ કરી લીધી હતી.

આ ઘટનાની જે વિગતો કેમેરામાં કેદ થઈ છે તેમાં 160 મીટર લાંબા આ પુલનો અેક મોટો ભાગ પાણીમાં તણાઈ જતો નજરે પડે છે. આ અંગે અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનામાં પુલના 10 પિલર અને 76 મીટર ભાગ પાણીમાં વહી ગયો છે. આ પુલ હિમાચલના નુરપુર જિલ્લાના પાડોશી રાજ્ય પંજાબને સાંકળતા મુખ્ય માર્ગ પર બનેલો હતો અને આ માર્ગ પર સતત વાહનવ્યવહાર ચાલુ રહે છે, જોકે આ ઘટના બાદ તંત્રએ ત્વ‌િરત કાર્યવાહી હાથ ધરતાં કોઈ જાનહાનિ થઈ નથી. આ પુલમાં આગળના જ દિવસે પુલના પિલરમાં તિરાડ પડી ગઈ હતી અને તેના કારણે આ પુલ પરથી વાહનોની અવરજવર બંધ કરાવી દીધી હતી, જેના કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાતાં રહી ગઈ હતી.

આવી જ એક ઘટનામાં 10 દિવસ પહેલાં મહારાષ્ટ્રમાં મુંબઈ-ગોવા હાઈવે પર બનેલ એક બ્રિટીશ કાળનો પુલ પણ ભારે વરસાદથી તણાઈ ગયો હતો. આ ઘટનામાં કેટલીક બસ પાણીમાં તણાઈ ગઈ હતી. આ ઘટના બાદ 28 લોકોના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે હજુ 16 લોકો લાપતા છે.

You might also like