હિમાચલમાં 8 વાગ્યે મતદાન શરૂ, ઘુમલ-વિરભદ્ર સિંહની શાખ દાંવ પર

હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. રાજ્યની 68 બેઠકો માટે આજે મતદાન થશે. અહીં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે. કુલ 63 ધારાસભ્યો સહિત 337 ઉમેદવારોના ભાવિ આજે ઇવીએમમાં સીલ થઈ જશે. કોંગ્રેસે વિરભદ્રસિંહને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કર્યા છે, જ્યારે ભાજપે પ્રેમ કુમાર ધુમલ પર દાવ અજમાવ્યો છે.

આ ઉપરાંત 10 મંત્રીઓ, આઠ મુખ્ય સચિવો સહિતના અનેક મોટા નેતાઓની શાખનો આજે દાંવ ખેલાશે. હાલમાં કોંગ્રેસ પાસે 35, ભાજપ પાસે 28, જ્યારે 4 અપક્ષ ઉમેદવારો છે. જ્યારે એક વિધાનસભા બેઠક ખાલી છે. ત્યારે આ ચૂંટણીમાં 160થી વધુ અપક્ષ ઉમેદવારો ભાવી અજમાવી રહ્યા છે.

રાજ્યના કુલ 50 લાખ 25 હજાર, 941 મતદાતા તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણી પંચે કુલ 7525 જેટલા મતદાન કેદ્રો બનાવ્યા છે. ચૂંટણીને પગલે સમગ્ર રાજ્યમાં ચાંપતો સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. પોલીસ અને હોમગાર્ડના એમ કુલ મળીને 17 હજાર 850 જવાનો અને પેરા મિલિટ્રી ફોર્સની 65 કંપનીઓ તૈનાત કરવામાં આવી છે.

મહત્વનું છે કે ઇતિહાસમાં આ પહેલીવાર છે, જ્યારે કોઈ રાજ્યની ચૂંટણીમાં સંપૂર્ણ પણે VVPAT મશીનોથી મતદાન થઈ રહ્યું છે. ચૂંટણી પંચ દ્વારા ટેકનિકલ ખામીની ફરિયાદોને જોતા 10 ટકા EVM અને VVPAT મશીનો અવેજીમાં રાખવામાં આવ્યા છે. રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ભાજપ – કોંગ્રેસની સરકાર વારફરતી આવતી રહી છે. હાલમાં કોંગ્રેસના શાસનને લઈને પ્રજામાં અસંતોષ છે, ત્યારે ભાજપે અહીં પ્રચાર દરમિયાન એડી ચોટીનું જોર લગાવ્યું હતું.

You might also like