હિમાચલના સીએમના નામની આજે જાહેરાતઃ જયરામ ઠાકુર રેસમાં મોખરે

નવી દિલ્હી: હિમાચલ પ્રદેશના નવા મુખ્યપ્રધાન માટે ભાજપમાં મનોમંથન ચાલી રહ્યું છે. પક્ષના વિજયના ચાર િદવસ બાદ પણ મુખ્યપ્રધાનના નામ પર હજુ સર્વાનુમતિ સધાઈ નથી. આજે હિમાચલમાં પક્ષના પ્રભારી મંગલ પાંડે ભાજપ વિધાનસભા પક્ષ સાથે શિમલામાં બેઠક યોજશે. બીજી બાજુ પક્ષના ઓબ્ઝર્વર નિર્મલા સીતારમણ અને કેન્દ્રીય પ્રધાન નરેન્દ્રસિંહ તોમર પણ આજે શિમલા પહોંચશે.

જોકે શિમલા ભાજપ કાર્યાલયને હજુ સુધી તેમના આગમનની જાણ કરવામાં આવી નથી. હિમાચલના મુખ્યપ્રધાન પદના ઉમેદવારની આજે જાહેરાત થઈ શકે છે અને જયરામ ઠાકુરનું નામ સૌથી મોખરે હોવાનું જાણ‍વા મળે છે. હિમાચલ પ્રદેશમાં મુખ્યપ્રધાન પદની રેસમાં જયરામ ઠાકુર આગળ હોવાનું જાણવા મળે છે. જયરામ ઠાકુરે પૂર્વ મુખ્યપ્રધાન પ્રેમકુમાર ધુમલ સાથે તેમના સમીરપુર સ્થિત નિવાસસ્થાને અડધો કલાક સુધી મંત્રણા કરી હતી.

ધુમલ તેમને છોડવા તેમની ગાડી સુધી ગયા હતા અને જયરામ ઠાકુરે સત્તાવાર રીતે ચરણસ્પર્શ કરીને તેમના આશીર્વાદ મેળવ્યા હતા. આમ ધુમલ છાવણીએ જય રામ ઠાકુરના નામ પર સંમતિ આપી દીધી હોય તેવું જણાય છે.

જોકે પ્રેમકુમારે ધુમલે પણ આ વખતે ચાણક્ય ચાલ ચાલી હોવાનું જાણવા મળ્યું છે. પક્ષના ઓબ્ઝર્વરના પ્રવાસ પહેલા નવા ચૂંટાયેલા ૪૪માંથી ૨૨ ધારાસભ્યોએ ધુમલનું ખુલ્લેઆમ સમર્થન કર્યું છે. વિધાનસભાની ચૂંટણીમાં હારી જવા છતાં પ્રેમકુમાર ધુમલ સીએમ રેસમાંથી હટવા તૈયાર નથી. તેમ છતાં પાંચમી વખત ધારાસભ્ય બનેલા જયરામ ઠાકુર મુખ્ય પ્રધાનની રેસમાં આગળ છે.

આ ઉપરાંત પક્ષ સૂત્રોએ જણાવ્યું હતું કે સાતમી વખત જીતેલા મોહિન્દરસિંહ, પાંચ વખત જીતેલા ધારાસભ્ય રાજીવ બિંદલ, ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ સુરેશ ભારદ્વાજ અને કૃષ્ણ કપૂર તેમજ હિમાચલ પ્રદેશમાં ભાજપના એક કુંવારા નેતા અજય જમવાલનાં નામો પર પણ વિચારણા થઈ શકે છે.

You might also like