હિલેરી બીમાર: અમેરિકી રાષ્ટ્રપ્રમુખ પદના બીજા ઉમેદવારની શોધ શરૂ

ન્યૂયોર્ક: અમેરિકામાં રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં ઉમેદવાર રહેલાં હિલેરી ક્લિન્ટન બીમાર પડી જતાં અનેક પ્રકારની અટકળો શરૂ થઈ ગઈ છે. આ અંગે ડેમોક્રે‌િટક નેશનલ કન્વેન્શનના પૂવ પ્રેસિડેન્ટ ડોન ફોલરે જણાવ્યું છે કે જો ચૂંટણી માટે હિલેરીનો વિકલ્પ હાલ પસંદ કરવામાં નહીં આવે તો તે મૂર્ખામી સમાન ગણાશે. ડેમોક્રેટિક પાર્ટીના નિયમમાં જણાવાયું છે કે આ અંગે ઈમર્જન્સી મિટિંગબોલાવી નવા ઉમેદવાર માટે વોટિંગ કરાવી શકાય તેમ છે. અમેરિકામાં પ્રેસિડેન્ટ પોસ્ટ માટે ૮ નવેમ્બરે વોટિંગ કરાવાનું છે. ૯/૧૧ના હુમલાને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમમાં હિલેરી પડતાં પડતાં રહી ગયાં હતાં ત્યારે ડોક્ટરે જણાવ્યું હતું કે તેમને ન્યુમોનિયા થઈ ગયો છે.

આ અંગે ડોક્ટરોએ વધુમાં જણાવ્યું હતું કે હિલેરીને અનેક પ્રકારની બીમારી છે. ફોલર ૧૯૯પથી ૧૯૯૭ સુધી ડેમોક્રેટિક નેશનલ કન્વેન્શનના પ્રેસિડેન્ટ હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે તમામ રાજકારણીઓની જવાબદારી છે કે તેઓ પાર્ટીની મદદ માટે આગળ આવે અને ઝડપથી તે અંગે આયોજન શરૂ કરી દેવું જોઈએ, ફોલરે વધુમાં એમ પણ જણાવ્યું હતું કે હિલેરી ફિટ થઈ શકે છે. પરંતુ ચૂંટણીને આડે માંડ બે મહિના બાકી છે તેથી તેમની તબિયતને ધ્યાનમાં લઈને તેમનો વિકલ્પ તૈયાર રાખવો પડશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે હિલેરી જો હવે ચૂંટણીની રેસમાંથી બહાર થઈ જશે તો આવું કરવાવાળા તે અમેરિકાના ઈતિહાસમાં પહેલા ઉમેદવાર બની જશે અને જો તેઓ રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણીમાં વિજયી બનશે તો અમેરિકાના ઈતિહાસમાં રાષ્ટ્રપ્રમુખ બનનારાં તે પહેલાં મહિલા બની જશે.

હવે જ્યારે હિલેરીના વિકલ્પમાં નવા ઉમેદવારની શોધ કરવાનો સમય આવ્યો છે ત્યારે તેમના વિકલ્પ તરીકે ટીમ કેન (ઉપપ્રમુખપદના ઉમેદવાર), બર્ની સેન્ડર્સ (પ્રાઈમરી, કોંકસમાં હિલેરી બાદના બીજા નંબર પર રહેલા), જો બાઈડન (વર્તમાન ઉપપ્રમુખ)નો સમાવેશ થાય છે.

ડિસેમ્બર-ર૦૧રમાં બ્રેઇનમાં બ્લડ ક્લોટિંગનો મામલો બહાર આવ્યો હતો. જોકે જુલાઈ-ર૦૧પમાં તેમના ડોક્ટરે પત્ર પાઠવી તેમને ચૂંટણી માટે સંપૂર્ણ ફિટ જાહેર કર્યાં હતાં.

You might also like