પાદરા-જંબુસર બન્યો મોતનો હાઇવેઃ બે દંપતી સહિત છનાં મોત

અમદાવાદ: વડોદરાનો પાદરા-જંબુસર હાઇવે મોતનો હાઇવે બન્યો છે. છેલ્લા બે દિવસમાં હાઇવે પર અલગ અલગ ત્રણ અકસ્માતની ઘટનામાં બે દંપતી સહિત છનાં મોત થયાં છે. નવાપુરા ગામ પાસે ટ્રકચાલકે ઓવરટેક કરતાં સમયે પાછળથી બાઈકને ટક્કર મારતાં દંપતીનું ઘટનાસ્થળે મોત થયું હતું.

જ્યારે એક ટ્રક પલટી જતાં દંપતીનું મોત નીપજ્યું હતું. આ ઉપરાંત કુરાલ ગામ નજીક બે ટ્રક સામ સામે અથડાતા બંને ટ્રકચાલકનાં મોત નીપજ્યા હતા.

મળતી વિગત મુજબ પાદરાની દીપ મંગલ સોસાયટીમાં રહેતા રવિ વિનુભાઈ પરમાર તેમજ પત્ની નિરાલીબહેન રવિભાઈ પરમાર પાદરાના ઘરેથી નીકળી જંબુસરના કાવી-કંબોઈ જવા માટે નીકળ્યા હતા.

દરમિયાનમાં પાદરા-જંબુસર રોડ પરના નવાપુરાના તુલજા પેટ્રોલપંપ પાસે સામેથી પુરઝડપે અને ગફલતભરી રીતે ટ્રકચાલક હંકારી આગળ જઈ રહેલ રવિ વિનુભાઈ પરમારની મોટરસાઈકલને ઓવરટેક કરતાં સમયે અડફેટે લીધા હતા. ટક્કર વાગતાં બંને રોડ પર નીચે પટકાયા હતા. માથાના ભાગે રવિને તેમજ પત્ની નિરાલીબહેનને પણ ગંભીર ઈજાઓ થવા પામી હતી, જેથી ઘટનાસ્થળે બંનેનાં મોત થવા પામ્યાં હતાં.

બનાવની જાણ વડુ પોલીસને થતાં ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી કરી બંનેની લાશને પીએમ માટે મોકલવાની તજવીજ હાથ ધરી હતી. અકસ્માત કરી ટ્રક મૂકી નાસી ગયેલ ચાલકને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે.

બીજા બનાવમાં પાદરા-જંબુસર રોડ પરના માસર ગામ નજીકની ફિનોલેક્સ કંપની પાસે રાત્રે ત્રણ કલાકે ટ્રકચાલકે પુરઝડપે ટ્રક પાદરા-જંબુસર તરફ જતાં રોડ પર સાઈડમાં આવેલ ગટરમાં પલટી ખાઈ જતાં ઈશ્વરભાઈ ધીરુભાઈ રાગાણી (ઉંં.વ.૪પ, રહે કીમ-સુરત, હાલ રહે. નવું ગામ, ઢોલાર, અમદાવાદ) તેમજ પત્ની નીલાબહેન રાગાણી (ઉંં.વ. ૪૩)નાં ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતાં. જ્યારે પુત્ર કિશન ઈશ્વર રાગાણીને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. વડુ પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઈ અકસ્માતનો ગુનો નોંધી પીએમની તજવીજ હાથ ધરી હતી.

આ ઉપરાંત જંબુસર જતા કુરાલ ગામ નજીક ગઇકાલે બે ટ્રક સામ સામે અથડાતા બંને ટ્રકચાલકના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. એક ટ્રકચાલક વાહનને ઓવરટેક કરી આગળ જવા પ્રયાસ કરતો હતો ત્યારે સામેથી આવતી ટ્રક સાથે જોરદાર ધડાકાભેર ટક્કર થઇ હતી. અા અકસ્માતના પગલે હાઇવે પર ટ્રાફિકજામ થયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, ત્રણેય અકસ્માત સર્જાયા તેમાં ટ્રક ડ્રાઇવરો આગળના વાહનને ઓવરટેક કરવા જતા હતા ત્યારે આ અકસ્માતો સર્જાયા હતા. હાઇવે પર સર્જાતા અકસ્માતનું કારણ નાનો સિંગલપટ્ટી હાઇવે હોવાથી વાહનો ઝડપથી ઓવરટેક કરવા જતા અકસ્માત સર્જાય છે.

You might also like