ર૭ ડિસેમ્બર, ૧૯૮૩એ અમદાવાદ ૩.૬ ડિગ્રીમાં થીજી ગયું હતું

અમદાવાદ: અમદાવાદીઓ માટે ચાલુ ડિસેમ્બર મહિનો ઠંડી માટે નબળો પુરવાર થયો છે. અત્યાર સુધીમાં ૮.૪ ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન જ સૌથી નીચું તાપમાન નોંધાયું છે. આ લઘુતમ તાપમાન છેલ્લાં દસ વર્ષની ઠંડીના રેકોર્ડને તોડી શક્યું નથી. આની સાથેસાથે ડિસેમ્બરમાં ઓલટાઇમ ઠંડીનો રેકોર્ડ ગત તા.ર૭ ડિસેમ્બર, ૧૯૮૩એ ૩.૬ ‌ડિગ્રી સેલ્સિયસનો નોંધાયો હતો.

હવામાન વિભાગનાં સૂત્રોના જણાવ્યા મુજબ ડિસેમ્બરમાં ઓલટાઇમ ગરમીનો રેકોર્ડ ગત તા.૩ ડિસેમ્બર, ૧૮૯૯એ ૩પ.૬ ડિગ્રી સેલ્સિયસનો નોંધાયો છે. જ્યારે ગઇ કાલે ૩પ.૩ ડિગ્રી સેલ્સિયસ ગરમી નોંધાઇ હતી. જ્યારે ૩.૬ ડિગ્રી ઠંડીનો ઓલટાઇમ રેકોર્ડ છેલ્લાં ૩ર વર્ષથી અકબંધ રહ્યો છે.

આજે અમદાવાદમાં સામાન્ય તાપમાન કરતાં ત્રણ ડિગ્રી વધુ એટલે કે ૧૪.૮ ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું છે. રાજ્યનાં અન્ય પ્રમુખ શહેરોની ઠંડી તપાસતાં ગાંધીનગરમાં ૧૩.૦, ડીસામાં ૧૪.૮, વડોદરામાં ૧૬.૧, સુરતમાં ૧૮.૦, રાજકોટમાં ૧૬.૦, ભૂજમાં ૧૬.ર, ઇડરમાં ૧૮.૮, વેરાવળમાં ૧૯.૧, દ્વારકામાં ૧૮.૦ અને નલિયામાં ૧૦.૬ ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું.

હજુ ત્રણેક દિવસ રાજ્યમાં ઠંડીનું જોર વધુ તેમ નથી તેવી હવામાન વિભાગની આગાહી જોતાં લોકોએ કડકડતી ઠંડી માટે ઇસુના નવા વર્ષથી રાહ જોવી પડશે.

You might also like