ઊંચા ટેક્સ અને ઓનલાઈન ખરીદીથી મોબાઈલ પરની વેટની આવક ઘટી

અમદાવાદ: કોમર્શિયલ ટેક્સ ડિપાર્ટમેન્ટે મોબાઇલનું ઊંચું વેચાણ હોવા છતાં પણ ઊંચા ટેક્સ ભારણ તથા ઓનલાઇન વધતા જતા કારોબારને લઇને અમદાવાદ ડિવિઝન-૧માં મોબાઇલ પરની ટેક્સની આવકમાં ઘટાડો નોંધાયો છે.
વર્ષ ૨૦૧૪-૧૫માં ડિસેમ્બર સુધીમાં મોબાઇલ પરની ટેક્સની આવક ૬૮૦ કરોડ થઇ હતી, જ્યારે ચાલુ વર્ષે ડિસેમ્બર સુધીમાં મોબાઇલ પરની ટેક્સની આવકમાં ૧૮૦ કરોડનો ઘટાડો નોંધાઇ ૫૦૦ કરોડની થઇ છે.

ડિપાર્ટમેન્ટના જાણકારોના જણાવ્યા પ્રમાણે શહેરમાં મોબાઇલનું વેચાણ ઊંચું હોવા છતાં આવકમાં મોટી ઘટ પડી છે. તેઓના કહેવા પ્રમાણે ઓનલાઇનનો વધતો જતો કારોબાર તથા ૧૫ ટકા જેટલા ઊંચા ટેક્સ ભારણને કારણે મોબાઇલ પરની ટેક્સની આવકમાં એક યા બીજા કારણસર ઘટ પડી છે ત્યારે ડીપાર્ટમેન્ટ આવક વધારવાની કવાયત હાથ ધરી શકે છે.

પ્રેક્ટિસનર્સ કાળી પટ્ટી ધારણ કરશે
સેલ્સટેક્સ પ્રેક્ટિસનર્સ કોમર્શિયલ ટેક્સ ડીપાર્ટમેન્ટના નીતિ-નિયમો સામે જંગે ચડ્યા છે અને તેમાં બદલાવ કરવાની માગ કરી રહ્યા છે ત્યારે આના વિરોધમાં સેલ્સટેક્સ પ્રેક્ટિસનર્સ આજે ડીપાર્ટમેન્ટમાં જ્યાં પણ હાજર થવાનું હોય ત્યાં કાળી પટ્ટી બાંધી વિરોધ કરશે.

You might also like