ઉચ્ચક વેરાની ઓનલાઈન અરજી નહીં થઈ શકતાં વેપારીઓ ચિંતામાં

અમદાવાદ: ઉચ્ચક વેરાની ઓનલાઈન એપ્લિકેશન કરવાની છેલ્લી તારીખ ૨૨ જુલાઇ છે અને હવે માત્ર ચાર દિવસની વાર છે ત્યારે આ વેરો ભરવાપાત્ર વેપારીઓ ઓનલાઇન અરજી નહીં કરી શકતા તથા ટેક્સનો વિકલ્પ ઓનલાઇન નહીં ખૂલી શકતા વેપારીઓ ચિંતામાં મુકાઇ ગયા છે.

જે વેપારીનું ૭૫ લાખ સુધીનું ટર્નઓવર હોય અને વેપારી સીધી રીતે કસ્ટમર સાથે જોડાયેલ હોય તે તમામ વેપારીઓ ઉચ્ચક વેરાના વિકલ્પમાં આવતા હોય છે. ટ્રેડર્સોએ આ માટે એક ટકો ઉચ્ચક વેરો ભરવાનો થતો હોય છે. મેન્યુફેક્ચર્સે બે ટકા અને હોટલ અને રેસ્ટોરાંએ પાંચ ટકા ઉચ્ચક વેરા ભરવાના થતા હોય છે.

વેપારીઓએ ઉચ્ચક વેરો ભરવા માટે ઓનલાઇન અરજી કરવાની હોય છે. લમસમ-ઉચ્ચક વેરાનો વિકલ્પ સ્વીકારનાર વેપારીએ પરમિશન માટે ઓનલાઇન પરવાનગી મેળવવાની થતી હોય છે, પરંતુ આ ઓનલાઇન અરજી કરનાર વેપારીએ વેબસાઇટ ઉપર વેરાનો વિકલ્પનો ઓપ્શન ખૂલી શકતો નથી અને તેના કારણે ઉચ્ચક વેરાનો વિકલ્પ સ્વીકારનાર વેપારી ઓનલાઇન અરજી કરી શકતા નથી, જ્યારે ૨૨ તારીખ છેલ્લી છે અને આ તારીખ જેમ નજીક આવી રહી છે તેમ અરજી કરવાના દિવસો ટૂંકા થઇ રહ્યા છે. આવા સંજોગોમાં લમસમનો વિકલ્પ સ્વીકારનાર વેપારીઓ ચિંતામાં મુકાઇ ગયા છે.

આ અંગે ગુજરાત સેલ્સટેક્સ બાર એસોસિયેશનના પ્રેસિડેન્ટ વારીસ ઈશાનીના જણાવ્યા પ્રમાણે ઉચ્ચક વેરો ઓનલાઇન એપ્લિકેશન કરવાની છેલ્લી તારીખ ૨૨ જુલાઇ છે, પરંતુ અરજીકર્તા ટેક્સનાે વિકલ્પ પસંદગી કરવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે. સામાન્ય રીતે ટ્રેડર્સો, હોટલ અને રેસ્ટોરાં સાથે જોડાયેલા વેપારીઓ તથા નાના અને મધ્યમ કદનાં મેન્યુફેક્ચરિંગ એકમો ઉચ્ચક વેરાનો વિકલ્પ પસંદ કરતા હોય છે. ઓનલાઇન એપ્લિકેશન નહીં થઇ શકવાના કારણે આ વેપારીઓ મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.
http://sambhaavnews.com/

You might also like