હાઈ સિક્યોરિટી ર‌િજસ્ટ્રેશન પ્લેટની કિંમત હવે ફિક્સ કરાશે

અમદાવાદ: છેલ્લા બે માસથી નવાં ખરીદાતાં તમામ વાહનોમાં હાઇ સિક્યોરિટી ર‌િજસ્ટ્રેશન પ્લેટ (એચએસઅારપી) ડીલર દ્વારા લગાવી આપવાની વાત પોકળ સાબિત થઇ છે. ડીલર પાસે નંબર પ્લેટ લગાવવા માટે વાહન માલિકને વધારે પૈસા ચૂકવવા પડે છે. આરટીઓ અને ડીલર વચ્ચે સંકલનના અભાવે દરેક ડીલર ટુ વ્હીલર કે ફોર વ્હીલરની ર‌િજસ્ટ્રેશન પ્લેટના મનફાવે તેટલા ભાવ વસૂલતા હોવાની અનેક ફરિયાદોના પગલે હવે સરકાર જાગી છે.

ડીલરોની મનમાની રોકવા હવે ટૂંક સમયમાં એચએસઅારપી માટેની કિંમત રાજ્યભરમાં એકસરખી નિયત કરાશે એટલું જ નહીં, દરેક ડીલરે વાહન અને તેની ર‌િજસ્ટ્રેશન પ્લેટની કિંમત દર્શાવતું બોર્ડ પણ ફર‌િજયાત લગાવવું પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે વાહનવ્યવહાર વિભાગે ડીલરોને હાઇ સિક્યોરિટી ર‌િજસ્ટ્રેશન પ્લેટનું સેન્ટર ફાળવીને ડિમ્ડ આરટીઓનું બિરુદ આપ્યું છે, જેથી ડીલર જ નવાં વાહનોમાં નંબર પ્લેટ લગાવી આપે છે, પરંતુ નંબર પ્લેટ માટેનું ૮ લાખનું મશીન, એક ઓપરેટર મશીન માટેની જગ્યા, અન્ય પરચૂરણ ખર્ચ ઉમેરીને ડીલરો નંબર પ્લેટ લગાવવાની તગડી ફી વસૂલતા હોવાની અનેક ફરિયાદો વારંવાર તંત્રને મળતી હતી.

ટુ વ્હીલર માટે નંબર પ્લેટનો ભાવ રૂ.૧૪૦ છે, જેમાં ડીલરનો સર્વિસ ચાર્જ રૂ.રપ૦ ઉમેરાતાં ટુ વ્હીલરના કુલ રૂ.૩૯૦ ચૂકવવા પડે છે તેવી જ રીતે કારની નંબર પ્લેટનો આરટીઓનો ભાવ રૂ.૪૧૦ છે અને ડીલરનો રૂ.૩૦૦ સર્વિસ ચાર્જ ઉમેરાતાં રૂ.૭૧૦ ચૂકવવા પડે છે. હજુ કેટલાક ડીલરો તેમની જગ્યામાં એચએસઅારપીની વ્યવસ્થા વાહન માલિકને આપવા તૈયાર નથી.

રાજ્યના વાહનવ્યવહાર વિભાગના પ્રધાન વલ્લભભાઇ કાકડિયાએ જણાવ્યું હતું કે હાલમાં રાજ્યના જીએડી વિભાગ સાથે સંકલનથી ડીલરો ખરેખર ખર્ચ બાદ કરીને નંબર પ્લેટની કેટલી રકમ વાહન માલિક પાસેથી વસૂલી શકે તેની ગણતરી થઇ રહી છે. આ માસના અંત સુધીમાં નંબર પ્લેટની કિંમત નક્કી કરાશે. ડીલર તેનાથી વધુ રકમ લઇ શકશે નહીં.
http://sambhaavnews.com/

You might also like