હાઈસ્કૂલના ગણિત-વિજ્ઞાન, અંગ્રેજીના શિક્ષકોને ચૂંટણી કામગીરીમાંથી મુક્તિ

અમદાવાદ: ધોરણ-૯થી ૧૨ના ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી ભણાવતા શિક્ષકોને હવે ચૂંટણીલક્ષી કામગીરી આપવામાં આવશે નહીં. શિક્ષકો તરફથી અવારનવાર થયેલી રજૂઆતના પગલે રાજ્ય ચૂંટણીપંચે નિર્ણય લીધો છે. સામાન્ય રીતે અગત્યના વિષયો ભણાવતા ધોરણ-૯થી ૧૨ના શિક્ષકોને બીએલઓ (બુથ લેવલ ઓફિસર) જેવી કામગીરી સોંપવામાં આવે ત્યારે તેઓ આ કામગીરીમાં રોકાયેલા હોવાથી વિદ્યાર્થીઓને ભણાવવામાં પૂરતું ધ્યાન આપી શકતા નથી અને કામગીરી પૂરી થયા બાદ મોટા ભાગના શિક્ષકો રજા લઈ લેતા હોવાથી કોર્સ અધૂરો રહી જવાની વારંવારની ફરિયાદ ચૂંટણીપંચને કરવામાં આવતી હતી. અનેક રજૂઆતોના પગલે ચૂંટણીપંચે જાહેર કરેલા આદેશ મુજબ હવે અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાનના માધ્યમિક શિક્ષકોને બીએલઓની કામગીરીમાંથી મુક્તિ મળશે.

રાજ્ય ચૂંટણીપંચ દ્વારા મતદાન અને ચૂંટણીકાર્ડ સહિતની બુથ લેવલની તમામ કામગીરી માધ્યમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકોને ફરજિયાત સોંપવામાં આવતી હતી. આ કામગીરી દરમિયાન શિક્ષકો શાળાઓમાં વર્ગખંડમાં હોતા નથી, ઉપરાંત રજાના દિવસોમાં તેમણે કરેલી કામગીરી બાદ તેમને વળતર રજા મળે છે.

આથી ચૂંટણીલક્ષી કામગીરી પૂરી થાય કે તેઓ વળતર રજા લઈ લેતા હોવાથી આખરે વિદ્યાર્થીઓને અભ્યાસમાં નુકસાન વેઠવું પડતું હતું, જેના કારણે વિદ્યાર્થીઓ ધોરણ-૧૦ અને ૧૨માં પણ સારું પર્ફોર્મન્સ આપી નથી શકતા હોવાની ફરિયાદો ઊઠી હતી. હવે ત્રણ મુખ્ય વિષયના શિક્ષકો કોઈ પણ જાતની દખલગીરી વગર વર્ગખંડમાં અભ્યાસ કરાવી શકશે, શિક્ષકોને આ રાહત માત્ર રાજ્ય ચૂંટણીપંચ દ્વારા આપવામાં આવી છે. નગરપાલિકા, મહાનગરપાલિકા, ગ્રામપંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે વિધાનસભા સહિતની ચૂંટણીલક્ષી કામગીરીમાંથી તેઓને મુક્તિ મળશે, પરંતુ કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા યોજાતી લોકસભાની ચૂંટણીલક્ષી કામગીરી અન્વયે બીએલઓ તરીકે કામ કરવું પડશે.
http://sambhaavnews.com/

You might also like