કોટ વિસ્તારનાં વર્ષોજૂનાં 600 મકાનોમાં માથે ઝળૂંબતું મોત

અમદાવાદ: યુનેસ્કો દ્વારા દેશના સર્વપ્રથમ વર્લ્ડ હે‌રિટેજ સિટીનું ગૌરવ મેળવનાર અમદાવાદનો હે‌રિટેજ અસ્મિતા સામેનો ખતરો દિવસે ને દિવસે વધી રહ્યો છે. કોટ વિસ્તારની અમૂલ્ય ધરોહર સમાન દાયકાઓ જૂના મકાન પર બિલ્ડર માફિયાઓનો કાળો પડછાયો પડ્યો હોઇ આવાં મકાન જમીનદોસ્ત કરીને કોમર્શિયલ બિલ્ડીંગ અને ગોડાઉનમાં ફેરવાઇ રહ્યાં છે.

બીજી તરફ અનેક જૂનાં મકાનો ગમે ત્યારે ધરાશાયી થઇ શકે તેવી ટાઇમ બોમ્બ જેવી હાલમાં મુકાયા છે. કોટ વિસ્તારમાં ૬૦૦થી વધુ ભયજનક મકાન હોવાનો સ્વીકાર ખુદ શહેર શાસકો કરે છે.

સામાન્ય રીતે શહેરની ઐતિહાસિક જગન્નાથજીની રથયાત્રા અગાઉ મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા રૂટ પરના ભયજનક મકાનોનો પરંપરાગત રીતે સર્વે કરાય છે, જેમાં રૂટ પરના ર૦૦થી રપ૦ મકાનને ભયજનક તરીકે અલગ તારવીને પછી તંત્ર દ્વારા જે તે મકાનના કબજેદારને નો‌ટિસ આપ્યા બાદ સિફતપૂર્વક સમગ્ર બાબતને ભુલાવી દેવાય છે.

જોકે દર ચોમાસામાં ભયજનક મકાનો તૂટીને તેમાં જાનમાલની હા‌િન થવાની દુર્ઘટના થાય છે. ગત ચોમાસામાં પાંચથી વધુ ભયજનક મકાનો તૂટી પડવાથી ચાર લોકોએ જીવ ગુમાવ્યો હતો, તેમાં પણ ખાસ કરીને કોટ વિસ્તારના મકાનો દિવસ ને દિવસે વધુ ઘાતક બની રહ્યા છે.

કોટ વિસ્તારમાં અંદાજે એક લાખથી વધુ મકાન છે, જે પૈકી તંત્રના સર્વ મુજબ ૬૦૦થી વધારે મકાન ગમે ત્યારે ધરાશાયી થાય તેવાં છે. ચાલુ ચોમાસામાં મ્યુનિસિપલ ચોપડે ભયજનક મકાનની ર૧થી વધુ ફરિયાદ નોંધાઇ છે. કોટ વિસ્તારમાં પણ કાલુપુર, દરિયાપુર અને ખાડિયામાં જોખમી મકાનોની સંખ્યા સૌથી વધુ છે.

જમાલપુર અને દ‌રિયાપુરમાં પણ જોખમી મકાનોની સંખ્યા ઉલ્લેખનીય છે. બિલ્ડર માફિયાઓથી કોટ વિસ્તારના હેરિટેજ મકાન પર કાયમી ‘હે‌રિટેજ પ્લેટ’ લગાવવાની દિશામાં તો સત્તાધીશોએ ચક્રો ગતિમાન કર્યાં છે, પરંતુ મરામતના અભાવે જોખમી બનતાં જતાં મકાનોને બચાવવાની દિશામાં હજુ સુધી કોઇ અસરકારક પગલાં લેવાતાં નથી.

જાણકાર સૂત્રો કહે છે કોટ વિસ્તારમાં સાવ મામૂલી ભાડાની આવકના કારણે મરામતના મામલે કાયમ મકાન માલિકો અને ભાડૂઆત વચ્ચે વિખવાદ હોય છે, જેમાં અનેક કિસ્સા તો કોર્ટે ચઢે છે. પરિણામે જર્જરિત મકાન ‘જૈસે થે’ હાલતમાં રહે છે.

અમુક પોળમાં તો મકાનની ગમે ત્યારે ધરાશાયી થાય તેવી ગંભીર હાલત જોઇને ત્યાંના લોકો મકાન ખાલી કરીને નદીપારના પશ્ચિમના વિસ્તારમાં રહેવા લાગ્યા છે. પોળોમાં આ પ્રવાહ વણથંભ્યો ચાલુ જ હોઇ કેટલીક પોળ તો જાણે કે વેપારીઓના માલસામાન મૂકવાના ‘ગોડાઉન’ તરીકે બની છે.

તંત્ર દ્વારા અગાઉ કોટ વિસ્તારના મકાનોના રીપેરીંગ માટે ટી-ગર્ડર નીતિ જાહેર કરાઇ હતી, પરંતુ તેનો દુરુપયોગ થવાથી ટી-ગર્ડર પર પ્રતિબંધ મુકાયો છે. ગઇ કાલે બપોરે પાનકોરનાકા પાસેની બિસ્કિટ ગલીમાં બે મકાન પત્તાંના મહેલની તેમ પડી જવાથી કોટ વિસ્તારના ભયજનક મકાનોનો મામલો ફરીથી ચર્ચાસ્પદ બન્યો છે.

દરમ્યાન આ અંગે મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટનો સંપર્ક કરતાં તેઓ કહે છે, મ્યુનિસિપલ કોર્પોરેશનના સર્વ મુજબ કોટ વિસ્તારમાં ૬૦૦થી વધારે ભયજનક મકાન છે. આવાં ભયજનક મકાન જે તે વ્યક્તિની અંગત માલિકીના હોઇ તંત્રને જીપીએમસી એક્ટ હેઠળ તેને બળજબળરીપૂર્વક ખાલી કરાવવાની કોઇ સત્તા મળતી નથી.

કોર્પોરેશન ભયજનક મકાનને તત્કાળ ખાલી કરાવવાની નો‌ટિસ આપે છે. એસ્ટેટના સ્ટાફ દ્વારા સ્થળ પર જઇને ત્યાંના રહીશોને મકાન ખાલી કરીને અન્યત્ર સ્થળાંતર કરી જવાનું સમજાવાય છે. આથી વિશેષ તંત્ર કશું કરી શકે તેમ નથી.

જ્યારે જૂની ટી ગર્ડર નીતિની પુનઃ અમલવારીની શકયતા અંગે પૂછતાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટ કહે છે, ટી ગર્ડર નીતિનો મેં હજુ સુધી કોઇ અભ્યાસ કર્યો નથી એટલે તે વિશે કોઇ ચોખવટ કરી શકું તેમ નથી.

You might also like