હાઇરાઇઝ બિલ્ડિંગમાં ફાયર કન્સલ્ટન્ટ, ફાયર ઓફિસર અને ફાયરમેનનું ભૂત ફરીથી ધુણ્યું!

અમદાવાદ: મ્યુનિ. ફાયર બ્રિગેડ પાસે શહેરીજનોના જાનમાલની સુરક્ષા માટે સ્ટેશન ઓફિસર સહિતનો પૂરતો સ્ટાફ નથી. ફાયર બ્રિગેડની ગાડીઓ ચલાવવા ડ્રાઇવર નથી. આ સંજોગોમાં ગાંડી સાસરે જાય નહીં અને ડાહીને શીખામણ આપેની જેમ ફાયર બ્રિગેડ વિભાગે અમદાવાદની હાઇરાઇઝ બિલ્ડિંગોમાં ફાયર કન્સલ્ટન્ટ, ફાયર ઓફિસર અને ફાયરમેનની નિમણૂક કરવાના ડાકલાં વગાડવા લીધાં છે.

તાજેતરમાં હાઇરાઇઝ બિલ્ડિંગમાં ફાયર સેફટીને મામલે તંત્રની કામગીરીની હાઇકોર્ટે કડક આલોચના કરી છે. આનાથી તંત્ર હરકતમાં આવ્યું છે. બે દિવસ બાદ ટાઉનહોલમાં નાગરિકોમાં ફાયર સેફટી માટે જાગૃતિ લાવવાનો ખાસ કાર્યક્રમ યોજાશે, પરંતુ તંત્રે હાઇરાઇઝ બિલ્ડિંગમાંં ફાયર કન્સલ્ટન્ટ, ફાયર ઓફિસર અને ફાયરમેનની નિમણૂકનું ભૂત ફરીથી ધુણાવીને નવેસરથી વિવાદનો મધપૂડો જ છંછેડયો છે.

હાઇરાઇઝ બિ‌લ્ડિંગના ચેરમેન સેક્રેટરીએ ફરજિયાત ફાયર સેફટી માટે ત્રણ શ્રેણીના અધિકારી કર્મચારી નીમવા પડશે. કોર્પોરેશનમાં રજિસ્ટ્રેશન કરાવવું પડશે અને જે તે શ્રેણી મુજબના તંત્રમાં રજિસ્ટ્રેશન ચાર્જ પણ ચૂકવવો પડશે. અનેક હાઇરાઇઝ બિલ્ડિંગમાં સાદા મેન્ટેનન્સના મામલે રહેવાસીઓમાં ઝઘડાઓ જોવા મળે છે. તેમાં કોર્પોરેશનના આ નવાં તૂતથી વધારો જ થવાનો છે. કેમ કે આનાથી ફાયર કન્સલ્ટન્ટ, ફાયર ઓફિસર અને ફાયરમેનના પગારનો વધારાનો ખર્ચ મેન્ટેનન્સમાં ઉમેરાઇ જવાનો છે.

જોકે આ અંગે ફાયર બ્રિગેડનાં ટોચનાં સૂત્રો એવી હાસ્યાસ્પદ દલીલ કરે છે કે દેશમાં મહારાષ્ટ્ર, તામિલનાડુ, પંજાબ, ઓરિસા જેવાં રાજ્યમાં આ પ્રકારની જોગવાઇ અમલમાં મુકાઇ જ છે. હવે ગુજરાતમાં અમલમાં મુકાવા જઇ રહી છે. આ ઉપરાંત લોકો બે કરોડના ફલેટમાં રહેતા હોય તેઓ આટલો વધારાનો ખર્ચ તો ઉઠાવી શકે તેમ છે. આને લગતી દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી માટે મુકાઇ છે.

આની સાથે સાથે એમ. જે. લાઇબ્રરીથી લો ગાર્ડન તરફ કવિ નાનાલાલ ઓવરબ્રિજ નીચે પે એન્ડ પાર્કનો એક વર્ષનો કોન્ટ્રાકટ ઓરિએન્ટલ કલબને રૂ.૧.૬પ લાખના વાર્ષિક ભાડા પેટે આપવાની દરખાસ્ત પણ સ્ટેન્ડિંગ કમિટીની લીલી ઝંડી મેળવવા મુકાઇ છે.

You might also like