ઊંચા રિટર્ને PSU શેરમાં રોકાણનું આકર્ષણ વધ્યું

અમદાવાદ: પાછલા મહિને બ્રેક્ઝિટનાં પરિણામ બાદ દુનિયાભરનાં શેરબજારોની સાથેસાથે ભારતીય શેરબજારમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. સરકારના આર્થિક સુધારા તથા વર્ષ ૨૦૧૫-૧૬ના પ્રથમ ત્રિમાસિક સમયગાળાનાં કોર્પોરેટ કંપનીઓનાં સારાં પરિણામ આવે તેવી શક્યતાઓ પાછળ શેરબજારમાં તેજી જોવાઇ છે. તેની સાથેસાથે પીએસયુ કંપનીના શેર્સમાં પણ ઊંચા રિટર્ન મળતાં રોકાણકારનું આકર્ષણ વધ્યું છે. બીએસયુના પીએસયુ ઇન્ડેક્સમાં સામેલ ૫૬ શેરોમાંથી એક અંદાજ મુજબ એક તૃતીયાંશ કંપનીના શેર્સના ભાવમાં ૨૦ ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે બીએસઇ પીએસયુ ઇન્ડેક્સમાં છેલ્લાં ચાર સપ્તાહમાં ૧૦ ટકાનો વધારો નોંધાયો છે.

શેરબજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે એમએમટીસી, હિંદુસ્તાન કોપર, ભેલ, એમટીએનએલ, ઇન્ડિયન ઓઇલ, પંજાબ નેશનલ બેન્ક અને ઇન્ડિયન બેન્ક જેવાં જાહેર ક્ષેત્રનાં એકમોમાં પાછલા એક મહિનાના સમયગાળા દરમિયાન ૧૫થી ૬૦ ટકા સુધીનો ઉછાળો નોંધવામાં આવ્યો છે.

વૈશ્વિક મેટલ કોમોડિટીના ભાવમાં આવેલા ઉછાળાની અસર જાહેર ક્ષેત્રની કંપનીઓના શેર ઉપર જોવા મળી છે. એ જ પ્રમાણે ક્રૂડના ભાવમાં આવેલા સુધારાને પગલે ઓઇલ એન્ડ ગેસ સેક્ટરની કંપનીના શેર ઊછળ્યા છે.

એક મહિનામાં જોવાયેલ ઉછાળો
ઈન્ડિયન બેન્ક               ૫૭.૭૬ ટકા
પંજાબ નેશનલ બેન્ક     ૪૭.૯૨ ટકા
બેન્ક ઓફ ઈન્ડિયા         ૩૦.૬૭ ટકા
એમએમટીસી                ૨૭.૭ ટકા
હિંદુસ્તાન કોપર            ૨૩.૭ ટકા
ભેલ                              ૧૮.૦૯ ટકા
એમટીએનએલ            ૧૮.૦૬ ટકા
ઈન્ડિયન ઓઈલ          ૧૪.૨ ટકા
એસબીઆઈ                 ૧૨.૦૩ ટકા

You might also like