ઊંચા ભાવના પગલે રાજ્યમાં કપાસનો વાવેતર વિસ્તાર વધ્યો

નવી દિલ્હી: દેશભરનાં મોટા ભાગનાં રાજ્યમાં અપેક્ષા મુજબના વરસાદના કારણે કપાસ સહિત વિવિધ પાકનું વાવેતર શરૂ થઇ ગયું છે. ચાલુ સિઝનમાં કપાસના ભાવમાં ઉછાળો આવતાં ખેડૂતો પણ કપાસના વાવેતર તરફ વળ્યા છે. ખેતીવાડી વિભાગના પ્રાપ્ત ડેટા મુજબ પાછલા વર્ષની સરખામણીએ ૩૦ જૂન સુધીમાં રાજ્યમાં ૦.૩૨ લાખ હેક્ટર વિસ્તારમાં વધુ કપાસની વાવણી થઇ છે, જ્યારે કેન્દ્ર કૃષિ વિભાગના ડેટા અનુસાર ૩૦ જૂન સુધીમાં દેશભરમાં કપાસની વાવણી ૪૬.૧૦ લાખ હેક્ટર વિસ્તારમાં થઇ છે, જ્યારે પાછલા વર્ષે જૂન સુધીમાં ૧૯.૦૭ લાખ હેક્ટર વિસ્તારમાં
વાવણી થઇ હતી.

દરમિયાન ચાલુ વર્ષના જૂન મહિનામાં પાછલા વર્ષની સરખામણીએ મહારાષ્ટ્રમાં ૬.૫૧ લાખ હેક્ટર, તેલંગણામાં ૩.૧૬ લાખ હેક્ટર, રાજસ્થાનમાં ૧.૦૬ લાખ હેક્ટર, હરિયાણામાં ૦.૮૬ લાખ હેક્ટર, મધ્યપ્રદેશમાં ૦.૭૭ લાખ હેક્ટર, આંધ્રપ્રદેશમાં ૦.૫૧ લાખ હેક્ટર, જ્યારે તામિલનાડુમાં ૦.૦૧ લાખ હેક્ટર વિસ્તારમાં કપાસનું વાવેતર વધુ થયું છે.

જાણકારોના જણાવ્યા પ્રમાણે છેલ્લા છ મહિનામાં કપાસના ભાવમાં ૨૦થી ૩૦ ટકા ઉછાળો આવ્યો છે અને કપાસના ભાવ રૂ. ૧૨૦૦ની સપાટીએ પહોંચી ગયા છે, જેના પગલે કપાસના વાવેતરમાં વધારો થયો છે.
http://sambhaavnews.com/

You might also like