જજોની નિમણૂકના મુદ્દે કેન્દ્ર અને ન્યાયતંત્ર વચ્ચે વિવાદ ઉકેલાયો

નવી દિલ્હી: હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જજોની નિમણૂકને લઇને ન્યાયતંત્ર અને સરકાર વચ્ચે ચાલી રહેલ ગજગ્રાહનો અંત આવી ગયો છે અને બંને વચ્ચે સંમતિ સધાઇ ગઇ છે. એવો સંકેત ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ જે.એસ.ખેહરે આપ્યો છે.

તેમણે જણાવ્યું હતું કે મેમોરેન્ડમ ઓફ પ્રોસિજર (એમઓપી) આ મહિનાના અંત સુધીમાં તૈયાર થઇ જશે. આ એમઓપી અંગે ન્યાયતંત્ર અને કેન્દ્ર સરકાર વચ્ચે સંમતિ સધાઇ રહી નહોતી. હવે મુખ્ય ન્યાયમૂર્તિ દ્વારા આપવામાં આવેલા સંકેતો પરથી એવો નિર્દેશ મળે છે કે બંને પક્ષો વચ્ચે સંમતિ સધાઇ ગઇ છે.

આ એમઓપી અંતર્ગત રાષ્ટ્રીય સુુરક્ષા સાથે સંકળાયેલા મુદ્દાઓ અને જજોની નિમણૂક માટે પસંદ કરવામાં આવેલા ઉમેદવારોના નામોની તપાસ એક સમિતિ દ્વારા કરાવવાના મુદ્દે સરકાર વચ્ચે મતભેદો હતા. જોકે હવે મુખ્ય ન્યાયમૂર્તિએ જણાવ્યું છે કે અમે ટૂંક સમયમાં એમઓપીને આખરી ઓપ આપીશું અને એકાદ મહિનામાં આ કાર્યવાહી સંપન્ન થઇ જશે.

મુખ્ય ન્યાયમૂર્તિએ આ ટિપ્પણી એક અરજીની સુનાવણી દરમિયાન કરી હતી. સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટમાં જજોની નિમણૂકની પ્રક્રિયા બદલવાના નિર્દેશ આપવા સંબંધિત એક પિટિશન કોર્ટમાં રજૂ થઇ હતી અને તેની નોંધ લઇને મુખ્ય ન્યાયમૂર્તિ ખેહરે આ ટિપ્પણી કરી હતી.
http://sambhaavnews.com/

You might also like