ફાયરસેફટીના મામલે નવા પશ્ચિમ ઝોનની ૮૦ બિલ્ડિંગોને નોટિસ

અમદાવાદ: તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટે પણ અમદાવાદ સહિત રાજ્યમાં હાઇરાઇઝ બિલ્ડિંગની ફાયર સેફટીના અભાવના મામલે ચિંતા વ્યકત કરી હતી. તેમજ રાજ્ય સરકારને ગુજરાતનો ફાયર સેફટી મામલે પાંચ ઝોનમાં વહેંચી કાઢવાનો આદેશ આપ્યો હતો. ગુજરાતના એક નંબરના શહેર ગણાતા અમદાવાદમાં રપ૦૦થી વધારે હાઇરાઇઝ બિલ્ડિંગ છે, પરંતુ શહેરના હાઇરાઇઝ બિલ્ડિંગ ફાયર સેફટી માટે મહદંશે બેદરકાર છે.

રાજ્યભરમાં નવો ફાયર સેકટી એકટ લાગુ કરાયો છે ત્યારે હજુુ પણ અમદાવાદ સહિતના શહેરમાં હાઇરાઇઝ બિલ્ડિંગમાં ફાયર સેફટીની યોગ્ય સુવિધા નથી. તેમજ ફાયર સેફટીનાં સાધનો એક વખત લગાવ્યા પછી ફરી તેની નિયમિત રીતે પુનઃ ચકાસણી પણ થતી નથી. જેને કારણે ગત મંગળવારે હાઇકોર્ટે રાજ્ય સરકારને નવા કાયદા પ્રમાણેની સ્થિતિ અંગે પૂછપરછ કરી હતી.

અમદાવાદમાં રપ૦૦થી વધુ હાઇરાઇઝ બિલ્ડિંગ છે. એટલે કે ૧૮ મીટરથી વધુ ઊંચાઇ ધરાવતી બિલ્ડિંગ છે. ફાયર સેફટીના કાયદા મુજબ ૧૮ મીટરથી ઊંચી તમામ બિલ્ડિંગને માટે ફાયર સેફટી સિસ્ટમ ‌બેસાડવી ફરજિયાત છે, પરંતુ અગમ્ય કારણસર અનેક હાઇરાઇઝ બિલ્ડિંગના ચેરમેન કે સેક્રેટરી કે રહેવાસીઓ પોતાના જાનમાલની સલામતી માટે ફાયર સેફટી સિસ્ટમ મામલે ઉદાસીનતા દાખવી રહ્યા છે.

ફાયર બ્રિગેડનાં સૂત્રોના જણાવ્યા મુજબ ચાલુ વર્ષ ર૦૧પમાં ગત તા.૧ જાન્યુઆરી ર૦૧પથી તા.૮ ડિસેમ્બર ર૦૧પ સુધીમાં માંડ ૮૧પ હાઇરાઇઝ બિલ્ડિંગની ફાયર બ્રિગેડની એનઓસી રિન્યુઅલ કરાઇ છે. જ્યારે નવી ૩૪૦ હાઇરાઇઝ બિલ્ડિંગને ફાયર બ્રિગેડની એનઓસી અપાઇ છે.

સ્વાભાવિકપણે આ આંકડા સ્માર્ટ સિટી બનવા આગળ વધતા અમદાવાદ માટે આઘાતજનક છે.
નવા પશ્ચિમ ઝોનના એસ્ટેટ ઓફિસર એચ.આર. શાહ કહે છે કે નવા પશ્ચિમ ઝોનની અત્યાર સુધીમાં ૮૦ જેટલી હાઇરાઇઝ બિલ્ડિંગને ફાયર સેફટીના મામલે તંત્ર દ્વારા નોટિસ ફટકારાઇ છે. જોકે તંત્રની નોટિસ બાદ પણ માંડ ત્રણ ચાર હાઇરાઇઝ બિલ્ડિંગ ફાયર સેફટી સિસ્ટમ બેસાડવા આગળ આવી છે.

એકલા પશ્ચિમ ઝોનમાં ૪૦૦થી વધુ હાઇરાઇઝ બિલ્ડિંગ

એકલા નવા પશ્ચિમ ઝોનમાં ૪૦૦થી વધારે હાઇરાઇઝ બિલ્ડિંગ છે. નવા પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગે એક મહિના અગાઉ ૮૦ હાઇરાઇઝ બિલ્ડિંગને તપાસના અંતે નોટિસ ફટકારી છે. હજુ પણ સત્તાવાળાઓની તપાસની પ્રક્રિયા ચાલુ હોઇ વધુને વધુ હાઇરાઇઝ બિલ્ડિંગને નોટિસ ફટકારાશે.

રિન્યુઅલ સમયે પ૦ ટકા ઇન્સ્પેકશન ચાર્જ લેવાશે

સ્ટેન્ડિંગ કમિટીએ ગત તા.૧૪ જૂન, ર૦૧પએ ફાયર સેફટી સિસ્ટમની તપાસણીના ચાર્જ નક્કી કર્યા હતા. જેમાં જૂની હાઇરાઇઝ બિલ્ડિંગની એનઓસી રિન્યુઅલ વખતે પ૦ ટકા ચાર્જ લેવાનો નિર્ણય લેવાયો હતો.

સરકારી કોમર્શિયલ હાઇરાઇઝ બિલ્ડિંગ
જ વધુ ઉદાસીન છે!
કોર્પોરેશનના હદ વિસ્તારમાં આવેલી કોમર્શિયલ, કોમર્શિયલ કમ રેસિડેન્શિયલ તેમજ સરકારી કોમર્શિયલ હાઇરાઇઝ બિલ્ડિંગ પૈકી ખાસ કરીને સરકારી કોમર્શિયલ બિલ્ડિંગમાં ફાયર સેફટી સિસ્ટમનાં ધાંધિયાં છે. જો કોઇ બિલ્ડિંગમાં ફાયર સેફટી સિસ્ટમ બેસાડેલી હશે તો આ સિસ્ટમ કાર્યરત જ નહીં હોય.

You might also like