હાઈકોર્ટમાં રજૂ થનારા રિપોર્ટમાં મોટા અધિકારીઅોનાં નામ?

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં રોડનાં કામોમાં આચરાયેલા ભ્રષ્ટાચારથી નાગરિકોમાં જબ્બર રોષ ફાટી નીકળ્યો છે. તંત્ર અને શાસકો સામે આક્રોશિત જનતા ઉગ્ર પ્રદર્શન પણ કરી રહી છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં તૂટેલા રોડથી શાસકપક્ષ મુસીબતમાં મુકાઈ શકે તેમ છે. આવા વિકટ સંજોગોમાં તંત્રની પ્રારંભિક વિજિલન્સ રિપોર્ટમાં ત્રણ કોન્ટ્રાકટરો દોષી પૂરવાર થયા છે. ઈજનેર વિભાગના અધિકારીઓ પણ ઝપટમાં અાવશે.

ચાલુ ચોમાસાની સિઝનમાં સામાન્ય વરસાદમાં ઓક્ટોબર, ૨૦૧૬થી જૂન, ૨૦૧૭ સુધીના એટલે કે માત્ર નવ મહિનાના મર્યાદિત સમયગાળામાં રૂ.૪૫૦ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા રોડ ધોવાતા લાખો શહેરીજનો કફોડી હાલતમાં મૂકાયા છે.

કોર્પોરેશન દ્વારા રોડના કામોના ભ્રષ્ટાચારની વિજિલન્સ તપાસ હાથ ધરાઈ છે. જેમાં પ્રારંભિક રિપોર્ટ મુજબ ત્રણ કોન્ટ્રાક્ટરને દોષિત જાહેર કરાયા હતા. હાલ તો આ ત્રણે કોન્ટ્રાટકર ત્રણ વર્ષ માટે બ્લેકલિસ્ટ કરાયા છે અને ધોવાયેલા રોડને સ્વખર્ચે રિસરફેસ કરવા તૈયાર થયા છે પરંતુ હજુ સુધી એકપણ અધિકારી સામે આંગળી ચિંધાઈ નથી.

પરંતુ આગામી સોમવારે હાઈકોર્ટમાં તંત્ર દ્વારા રજૂ થનારા વિજિલન્સ રિપોર્ટમાં રોડ પ્રોજેક્ટ અને ઈજનેર વિભાગના અધિકારીના નામનો પણ સમાવેશ કરાશે. જાણકાર સૂત્રો કહે છે, વિજિલન્સ વિભાગ દ્વારા અધિકારીઓની પૂછપરછ હાથ ધરાઈ હોઈ કોઈ મોટા અધિકારીના નામની પણ ચર્ચા ઊઠી છે.

You might also like