હાર્દિક વિરૂદ્ધ ગુનો બનતો હોય તો ફરિયાદ નોંધવા હાઈકોર્ટનો આદેશ, જાણો કેમ?

અમદાવાદઃ વિધાનસભાની ચૂંટણી બાદ અનામત આંદોલન સમિતિનાં કન્વીનર હાર્દિક પટેલ પર એક પછી એક કાયદાકીય સકંજો ઘડાઇ રહ્યાં છે. બ્રહ્મ સમાજનાં પુરુષ અને મહિલા વિશે અભદ્ર ટિપ્પણી કરવા બદલ હાર્દિક પટેલ વિરુદ્ધમાં હાઇકોર્ટનાં જજ જે.બી.પારડીવાલાએ તપાસ કરીને ગુનો બનતો હોય તો ફરિયાદ દાખલ કરવા ચાંદખેડા પોલીસને આદેશ કર્યા છે.

વિધાનસભાની ચૂંટણી ટાણે હાર્દિકનો યુવતી સાથેનો એક કથિત વીડિયો ફરતો થયો હતો. જેમાંનાં એક વીડિયોમાં બ્રહ્મ સમાજનાં પુરુષ અને મહિલાઓ વિશે અભદ્ર ટિપ્પણી કરી હોવાનું સામે આવ્યું હતું. ચાંદખેડા પોલીસે હાર્દિક પટેલ વિરુદ્ધમાં થયેલી ફરિયાદમાં કોઇ તપાસ નહીં કરતાં ફરિયાદીએ હાઇકોર્ટનાં દ્વાર ખખડાવ્યાં હતાં.

અનામત આંદોલન સમિતિનાં કન્વીનર હાર્દિક પટેલ અને તેનાં બે મિત્રો વિરુદ્ધમાં બ્રહ્મ સમાજ માટે કરેલી અભદ્ર ટિપ્પણી અંગે ચાંદખેડા પાર્શ્વનાથ મેટ્રો સિટીમાં રહેતાં અભિષેક શુક્લાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. અભિષેક શુક્લાએ ફરિયાદમાં આક્ષેપ કર્યા હતા કે હાર્દિકનાં યુવતી સાથે અનેક કથિત સેક્સ વીડિયો ફરતાં થયાં હતાં.

જેમાંનાં એક વીડિયોમાં બ્રહ્મ સમાજનાં પુરુષ અને મહિલાઓ વિશે અભદ્ર ટિપ્પણી કરી હોવાનું પણ બહાર આવ્યું હતું. જેને લઇને બ્રહ્મ સમાજનાં લોકો ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ કરવા ગયાં હતાં પરંતુ ક્રાઇમ બ્રાંચે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવા માટેનું કહ્યું હતું.

જેથી અભિષેક સહિત તમામ લોકો ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં પહોંચ્યાં હતાં. ચાંદખેડા ડીસીપીએ આ મામલે અરજી લઇને સમગ્ર મામલો થાળે પાડયો હતો. હાર્દિક પટેલ વિરુદ્ધમાં થયેલી અરજીની પોલીસે ૪૫ દિવસ સુધી કોઇ પણ કાર્યવાહી નહીં કરતાં અભિષેક શુક્લાએ હાઇકોર્ટમાં વકીલ આર.કે.રાજપૂત મારફતે ડાયરેક્શન ઓફ એફઆઇઆરની પિટિશન ફાઇલ કરી હતી.

હાઇકોર્ટ જજ જે.બી.પારડીવાલાએ તમામ દલીલો સાંભળ્યા બાદ હાર્દિક પટેલ વિરૂદ્ધ જો ગુનો બનતો હોય તો ફરિયાદ નોંધવા માટે ચાંદખેડા પોલીસને આદેશ કર્યા છે. બ્રહ્મ સમાજની ટિપ્પણી બાદ હાર્દિક પટેલ એક વીડિયોમાં સામે આવ્યો હતો. જેમાં તેણે બ્રહ્મ સમાજની માફી પણ માગી હતી.

You might also like