હાઈકોર્ટના હુકમનું ધરાર પાલન ન કરનાર પીઆઈની બદલી

અમદાવાદ: શહેરના બહેરામપુરા વિસ્તારમાં રહેતી ગર્ભવતી મહિલાને અસામાજિક તત્ત્વોએ માર મારતાં અા બાબતે કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીઅાઈ જી.એમ.મકવાણાએ ફરિયાદ ન લેતાં મહિલાએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. જેમાં હાઈકોર્ટે કાયદેસરની કાર્યવાહી કરવા અાદેશ કર્યો હતો. અા હુકમનું પાલન ન કરતાં મહિલાએ ફરી હાઈકોર્ટમાં અરજી કરી હતી. તેથી શહેર પોલીસ કમિશનર શિવાનંદ ઝાએ પી.અાઈ. જી.એમ. મકવાણાની તાત્કાલિક અસરથી ટ્રાફિક શાખામાં બદલી કરી દીધી છે. ઉપરાંત મહિલાએ પી.અાઈ. મકવાણા સામે મેટ્રો કોર્ટ નં.૪માં પણ ફરિયાદ નોંધાવી છે.

બહેરામપુરા વિદ્યાનગર ખાતે અાવેલા હેલ્થ સ્ટાફ ક્વાર્ટર્સમાં રહેતાં માધુરીબહેન મયૂરભાઈ ચાવરિયા (ઉં.વ.૨૧)નાં લગ્ન બે વર્ષ અગાઉ થયાં હતાં અને તેઓ હાલ ગર્ભવતી છે. ૨૫ નવેમ્બર ૨૦૧૫ના રોજ માધુરીબહેનને તેમનાં ઘર પાસે રહેતાં અસામાજિક તત્ત્વોએ માર માર્યો હતો ગર્ભવતી હોવાં છતાં માર મારતાં તેઓ  ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હતાં અને હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં.

અા બાબતે માધુરીબહેને માર મારનાર લોકો વિરુદ્ધ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવા ગયા હતા છતાં પોલીસે માત્ર સ્ટેટમેન્ટ લીધું હતું. જેથી તેઓએ અા અંગે પોલીસ કમિશનરને જાણ કરતાં ડીસીપીને તપાસ અાપી હતી. છતાં કોઈ કાર્યવાહી ન થતાં તેઓએ ૧૨ ડિસેમ્બર ૨૦૧૫ના રોજ ગુજરાત હાઈકોર્ટમાં અા સંદર્ભે અરજી કરી હતી. જેમાં હાઈકોર્ટે પોલીસ કમિશનર તથા સરકારને કાયદેસરની કાર્યવાહી કરવા અાદેશ કર્યો હતો. છતાં કાગડાપીઠ પી.અાઈ. જી.એમ. મકવાણાએ અા ઓર્ડરની કોપી ન સ્વીકારી કોઈ કાર્યવાહી ન કરતાં માધુરીબહેને ફરીથી હાઈકોર્ટમાં અરજી કરતાં ૧૧ જાન્યુઅારીના રોજ હાઈકોર્ટે પોલીસ કમિશરને અાદેશ અાપ્યો હતો કે કાગડાપીઠ પી.અાઈ. વિરુદ્ધ તાત્કાલિક પગલાં લો. જેથી પોલીસે કમિશનરે પી.અાઈ. જી.એમ. મકવાણાની બદલી કરી ટ્રાફિક બ્રાંચમાં મૂકી દીધા છે. ઓલ ઇન્ડિયા ક્રિશ્ચિયન કાઉન્સિલના નેશનલ એક્ઝ્િક્યુટિવ મેમ્બર સેમસન ક્રિશ્ચિયને જણાવ્યું હતું કે માધુરીબહેને કાગડાપીઠના પી.અાઈ. જી.એમ. મકવાણા વિરુદ્ધ પણ મેટ્રો કોર્ટ નં.૪માં ફરિયાદ દાખલ કરી છે. જેની ગઈ કાલે ઈન કેમેરા સુનાવણી યોજાઈ હતી અને અા બાબતે ૨૨મી જાન્યુઅારીએ ચુકાદો અાવશે.

You might also like