આદર્શ સોસાયટીનાં બિલ્ડિંગને ધરાશાયી કરવાનો હાઇકોર્ટનો આદેશ

મુંબઇ : મુંબઇ હાઇકોર્ટે ગોટાળાઓનાં કારણે વિવાદમાં આવેલી આદર્શ હાઉસિંગ સોસાયટી બિલ્ડિંગને તોડી પાડવાનો ચુકાદો આપ્યો છે. કોર્ટે શુક્રવારે કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયને આદેશ આપ્યો કે 31 માળની આ ઇમારત તોડી પાડવામાં આવે.કોર્ટે આ સાથે જ સરકારને આદેશ આપ્યો કે તે આ ગોટાળામાં સંડોવાયેલા તમામ અધિકારીઓની સામે કેસ દાખલ કરીને કાર્યવાહી ચાલુ કરે. ઉપરાંત જે જમીન પર ઇમારત છે તે જમીન પણ જપ્ત કરે.

ઇમારતને તોડી પાડવાનો ચુકાદો આવી ચુક્યો છે. જો કે અગાઉ કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય અને વન મંત્રાલય દ્વારા 16 જાન્યુઆરી, 2011માં એક આદેશ આપીને ત્રણ મહિનાની અંદર આ ઇમારતને તોડી પાડવા માટેનાં આદેશો અપાયા હતા. ત્યારે મંત્રાલયનું કહેવું હતું કે આ ઇમારત બનાવવામાં પર્યાવરણનાં આદર્શ માપોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. ત્યાર બાદ સોસાયટીના સભ્યોએ મુંબઇ હાઇકોર્ટમાં આ આદેશને પડકાર્યો હતો.

કોર્ટે સંરક્ષણ મંત્રાલયને આદેશ આપ્યો કે આ તે આ મુદ્દે અગાઉ કાર્યવાહી નહી કરવાનાં મુદ્દે પોતાનાં અધિકારીઓ સામે ખાતાકીય તપાસ કરાવે. અત્રે ઉલ્લેખનીય છે કે, આદર્શ હાઉસિંગ સોસાયટી કારગીલ યુદ્ધનાં હીરો અને તેમાં શહીદ થયેલા જવાનોની વિધવાઓ માટે બનાવાઇ હતી. જો કે માત્ર 6 માળની મંજુરીવાળી ઇમારતને રાજકારણીઓએ પોતાનાં ફાયદા માટે 30 માળની બનાવી દીધી હતી. જો કે સૌથી મહત્વની વાત છે કે આ ઇમારત બની ગઇ ત્યાં સુધી કોઇને કાનોકાન ખબર પણ પડી નહોતી.

You might also like