કાચ પાયેલા માંજા પર પ્રતિબંધ અંગે અાજે હાઈકોર્ટના ચુકાદાની શક્યતા

અમદાવાદ: નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે દેશભરમાં ઉત્તરાયણ સમયે ઉપયોગમાં લેવાતા કાચના માંજા પર પ્રતિબંધ લગાવી દીધો હોવા છતાંય રાજ્યમાં ખુલ્લેઆમ માંજાનું વેચાણ થઇ રહ્યું હોવાના મામલે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી, જેમાં આજે ગુજરાત હાઇકોર્ટના ચીફ જ‌સ્ટિસ આર. સુભાષ રેડ્ડી તથા જ‌સ્ટિસ વિપુલ પંચોલીની ખંડપીઠ ચુકાદો આપે તેવી શક્યતા છે.

ઉત્તરાયણમાં પતંગ ચગાવવાનો શોખ જબરદસ્ત હોય છે અને આ માટે પતંગર‌િસયાઓ ચાઇનીઝ માંજા અથવા તો કાચથી ઘસેલો માંજો તૈયાર કરાવે છે. જે સામાન્ય માણસ અને અબોલાં પક્ષીઓ માટે પણ જોખમી હોય છે. ચાઇનીઝ દોરી પર પ્રતિબંધનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરાયું છે ત્યારે ઓગસ્ટ ર૦૧૬માં નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે કાચથી ઘસેલા માંજા પર પણ પ્રતિબંધ લગાવ્યો હતો. એનજીટીને આપેલા આદેશને દુકાનદારો ઘોળીને પી જતાં ગુજરાત હાઇકોર્ટમાં ચીફ જ‌સ્ટિસ આર. સુભાષ રેડ્ડી તથા વિપુલ પંચોલીની ખંડપીઠમાં જાહેર હિતની અરજી કરવામાં આવી હતી.

અરજદાર તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે કાચથી ઘસેલા માંજા બજારમાં ખુલ્લેઆમ વેચાઇ રહ્યા છે. ટ્રિબ્યૂનલના આદેશનો ભંગ થઇ રહ્યો છે. પક્ષીઓ અને માણસોના ગળામાં દોરી વાગવાથી મૃત્યુના કિસ્સા બની રહ્યા છે, જ્યારે ચાઇનીઝ તુક્કલથી આગજનીના બનાવો પણ બને છે. આ કિસ્સાઓને ટાળવા માટે પ્રતિબંધ મુકાવવો જોઇએ, કાચ ઘસેલા દોરીના પ્રતિબંધ પર વિરોધ કરતા સરકારે હાઈકોર્ટમાં જણાવ્યું હતું કે ઉત્તરાયણ પરંપરાગત તહેવાર છે. દોરીની જાડાઈ વગર પતંગ ચગાવવા શક્ય જ નથી. ત્યારે જાહેરનામાનો અમલ કરવા માટે સરકાર કટિબદ્ધ છે. પતંગ-દોરીનો વ્યવસાય આશરે પ૦૦ કરોડનો છે. બન્ને તરફની દલીલો સાંભળીને ચીફ જ‌િસ્ટસે ચુકાદો અનામત રાખ્યો હતો. આજે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી મામલે કોર્ટ પોતાનો ચુકાદો સંભળાવે તેવી શક્યતા છે.

૧પ ઓગસ્ટે દિલ્હીમાં પતંગ ઉડાડવાનું ચલણ છે. તે સમયે બાઈકસવાર બે યુવકોનાં ગળામાં માંજો ફસાઈ જવાથી મોત થયાં હતાં. ઉપરાંત કારની વિન્ડોમાંથી માથું બહાર કાઢીને જઈ રહેલી ત્રણ વર્ષીય બાળકીનું ગળું પણ માંજાથી કપાઈ જવાના કારણે મોત થયું હતું. આ ઘટનાના કારણે બબાલ મચી હતી. જે બાદ દિલ્હી સરકારે ૧૬ ઓગસ્ટે ચાઈનીઝ માંજાના ઉપયોગ પર બેન લગાવવા માટે ડ્રાફ્ટ નોટિફિકેશન જાહેર કર્યું હતું.

આ પ્રતિબંધ લગાવવાની માગણી પીપલ ફોર એથિકલ ‌ટ્રીટમેન્ટ એનિમલ્સ (પેટા) નામની સંસ્થા દ્વારા કરવામાં આવી હતી. જેને ગ્રીન ટ્રિબ્યૂનલ (એનજીટી)એ માન્ય રાખી હતી, જોકે જે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તે હાલ વચગાળાનો છે, કાયમી નથી એટલે કે આવનારા દિવસોમાં જો સ્થિતિમાં સુધારો આવ્યો તો આ પ્રતિબંધ હટાવી લેવામાં આવી શકે છે. આ અંગેની વધુ સુનાવણી ૧ ફેબ્રુઆરી, ૨૦૧૭ સુધી મુલતવી રાખવામાં આવી હતી.

You might also like