હિડિમ્બના મિત્ર કિર્મીર રાક્ષસનો વધ

રાત્રિના સમયે જયારે પાંડવો વનમાં જઇ રહ્યા હતા ત્યારે કિર્મીર જેવા બળવાન રાક્ષસને ભીમસેને વાતવાતમાં મારી નાંખ્યો. દિગ્વિજય વખતે ભીમસેને દસ હજાર હાથીઓ જેવા બળવાન જરાસંઘને મારી નાંખ્યો. ભગવાન શ્રીકૃષ્ણ તેમના સંબંધી છે. દ્રુપદના પુત્ર તેમના સાળા છે. પાંડવોની સામે યુદ્ધમાં ટક્કર લેનાર અત્યારે કોઇ નથી.
જે સમયે મહર્ષિ મૈત્રેય આ પ્રમાણે કહી રહ્યા હતા, તે સમયે દુર્યોધન હસીને પગથી જમીન ખોતરવા તથા પોતાની સૂંઢ જેવી સાથળ પર હાથથી તાલ ઠોકવા લાગ્યો. દુર્યોધનની આ ઉદ્ધતાઇ જોઇને મૈત્રેયજીએ તેને શાપ આપવાનો વિચાર કર્યો. કોઇનું શું ચાલે જ્યાં વિધાતાની જ આવી ઇચ્છા હતી. તેમજે જળનો સ્પર્શ કરીને દુરાત્મા દુર્યોધનને શાપ આપ્યો – “મૂર્ખ દુર્યોધન તું મારો તિરસ્કાર કરે છે. અને મારી વાત માનતો નથી. લે ત્યારે, હવે તું તારા અભિમાનનું ફળ ચાખ. તારા આ દ્રોહને કારણે કૌરવો અને પાંડવોમાં ભયંકર યુદ્ધ થશે. તેમાં ભીમસેન ગદાના ઘાથી તારી જાંઘ તોડી નાંખશે.” મહર્ષિ મૈત્રેયનાં આવા કથનથી ધૃતરાષ્ટ્ર તેમનાં ચરણોમાં પડીને કાલાવાલા કરવા લાગ્યા. તેમણે કહ્યું- “ભગવન્! એવી કૃપા કરો, જેથી આ શાપ ન લાગે.” મૈત્રેયજીએ કહ્યું- “રાજન્ ! જો તમારો પુત્ર પાંડવો સાથે મેળ કરી લેશે તો મારો શાપ નહીં લાગે.” ત્યાર પછી મહર્ષિ મૈત્રેયજીએ ત્યાંથી પ્રસ્થાન કર્યું. દુર્યોધન પણ ભીમસેનના કિર્મીર વધ સંબંધી પરાક્રમને સાંભળીને ઉદાસ ચહેરો લઇ ત્યાંથી ચાલ્યો ગયો.
વૈશંમપાયનજી કહે છેઃ જનમેજય! મૈત્રેય મુનિના ચાલ્યા ગયા પછી રાજા ધૃતરાષ્ટ્રે વિદુરજીને પૂછ્યું – “વિદુર! ભીમસેન સાથે કિર્મીર રાક્ષસનો ભેટો ક્યાં થયો? તમે મને કિર્મીર વધની કથા સંભળાવો.” વિદુરજીએ કહ્યું- “રાજન્ પાંડવોનાં બધાં કાર્ય અલૌકિક છે. મને તો વારંવાર તેમને સાંભળવાનો અવસર મળે છે. રાજન્! જે સમયે પાંડવો જુગારમાં હારીને વનવાસ માટે હસ્તિનાપુરથી રવાના થયા તે સમયે તેઓ સતત ત્રણ દિવસ સુધી ચાલતા રહ્યા. જે માર્ગે તેઓ કામ્યક વનમાં પ્રવેશ કરવા ઇચ્છતા હતા, ત્યારે અડધી રાત્રીના સમયે તે માર્ગને રોકીને કિર્મીર રાક્ષસ ઊભો થઇ ગયો. તેણે હાથમાં અગ્નિની મશાલ રાખી હતી. ભુજાઓ લાંબી હતી, દાઢો ભયંકર અને આંખો લાલ હતી. માથાના ઉભા ઉભા વાળ અગ્નિની જ્વાળાઓ જેવા હતા. તે ક્યારેક જાત જાતની માયા રચતો તો ક્યારેક વાદળોની જેમ ગર્જના કરતો હતો. તેની ગર્જનાથી જંગલનાં બધા પશુઓ ભયભીત થઇને ખળભળી ઊઠ્યાં. આંધી ચાલવા લાગી. ધૂળથી આકાશ ભરાઇ ગયું દ્રૌપદી તો તેને જોઇને જ બેભાન જેવી થઇ ગઇ. તેની આવી ચાલ જોઇને પુરોહિત ધૌમ્યે રક્ષોઘ્ન મંત્રનો પાઠ કરીને રાક્ષસી માયા નષ્ટ કરી દીધી. તે વખતે કિર્મીર રાક્ષસ ભયંકર વેશમાં પાંડવોની સામે આવીને ઊભો રહી ગયો. પાંડવોના પરિચય જાણીને કિર્મીરે કહ્યું કે, “હું બકાસુરનો ભાઇ અને હિડિમ્બનો મિત્ર છું. આ જ ભીમસેને તેમને માર્યા છે. તેથી આજે યોગ્ય અવસર મળી ગયો. આને હમણાં જ હું નષ્ટ કરી નાખું છું.” તે સમયે ભીમસેને એક ખૂબ મોટું વૃક્ષ ઉખાડ્યું અને તેનાં બધાં પાંદડાં તોડીને ફેંકી દીધાં. ભીમસેને દૃઢતા સાથે લંગોટ કસીને વૃક્ષને ઉખાડ્યું અને રાક્ષસના માથા પર ઝીંક્યું, પરંતુ તેનાથી રાક્ષસને કોઇ ગભરામણ ન થઇ. રાક્ષસે ભીમસેન પર એક બળતું ઉંબાડિયું ફેંકયું, પરંતુ ભીમસેન પગ વડે તેને રોકીને પોતાને બચાવી લીધા. ત્યાર પછી બંને વચ્ચે ભયંકર વૃક્ષ-યુદ્ધ થયું. જેથી આજુબાજુનાં ઘણાં વૃક્ષો નષ્ટ થઇ ગયાં.
ભીમસેને હાથીની જેમ ઝપટીને રાક્ષસને પોતાની ભુજાઓમાં દબાવી તો દીધો, પરંતુ તે જોર કરીને નીકળી ગયો અને સામેથી ભીમસેનને જ પકડી લીધા. ત્યારબાદ બળવાન ભીમસેને તેને જમીન પર પટકી દીધો અને તેની કમર ઘૂંટણોથી દબાવીને પછી ગળું દબાવી દીધું. તેનું શરીર ઢીલું પડી ગયું. આંખો બહાર નીકળી ગઇ. આ પ્રમાણે કિર્મીર રાક્ષસ મરી જવાથી પાંડવોને ઘણી પ્રસન્નતા થઇ. બધા ભીમસેનની પ્રશંસા કરવા લાગ્યા અને પછી કામ્યક વનમાં પ્રવેશ કર્યો.” આ પ્રમાણે વિદુરજી પાસે કિર્મીર વધની વાત સાંભળીને રાજા ધૃતરાષ્ટ્ર ઉદાસ થઇ ગયા અને તેમણે લાંબો નિઃસાસો નાખ્યો.
વૈશંમપાયનજી કહે છે- જનમેજય! જ્યારે ભોજ, વૃષ્ણિ, અંધક વગેરે વંશોના યાદવો, પંચાલના ધૃષ્ટધુમ્ન, ચેદિદેશના ધૃષ્ટકેતુ તથા કૈકય દેશના સગાં-સંબંધીઓને એવા સમાચાર મળ્યા કે પાંડવો અત્યંત દુઃખી થઇને રાજધાનીમાંથી ચાલ્યા ગયા અને કામ્યક વનમાં નિવાસ કરી રહ્યા છે, ત્યારે તેઓ કૌરવોની ક્રોધપૂર્વક નિંદા કરતા પોતાના કર્તવ્યનો નિશ્ચય કરવા માટે પાંડવો પાસે ગયા.
બધા ક્ષત્રિય તો ભગવાન શ્રીકૃષ્ણને પોતાના નેતા બનાવીને ધર્મરાજ યુધિષ્ઠિરની ચારે બાજુ બેસી ગયા. ભગવાન શ્રીકૃષ્ણે યુધિષ્ઠિરને નમસ્કાર કરીને અત્યંત ખિન્નતા સાથે કહ્યું- “રાજાઓ! હવે એ વાત નિશ્ચિત થઇ ગઇ કે પૃથ્વી દુરાત્મા દુર્યોધન, કર્ણ, શકુની અને દુઃશાસનનું લોહી પીશે. સનાતન ધર્મનો નિયમ છે કે જે મનુષ્ય કોઇને છેતરીને સુખ ભોગવતો હોય, તેને દંડિત કરવા જોઇએ. હવે આપણે એકત્ર થઇને કૌરવો અને તેમના સહાયકોને યુદ્ધમાં મારી નાખીએ તથા ધર્મરાજ યુધિષ્ઠિરનો રાજ્ય સિંહાસન પર અભિષેક કરીએ.”•

You might also like