ટેમ્પાના ચોરખાનામાં છુપાવેલા દારૂના જથ્થા સાથે બે ઝડપાયા

અમદાવાદ: રાજ્યમાં દારૂબંધીના કડક નિયમ બાદ બુટલેગર અવનવી રીતે શહેરમાં દારૂ ઘૂસાડી રહ્યા છે. નંબર પ્લેટ વગરના ટેમ્પોમાં બનાવેલા ચોરખાનામાં દારૂ-બિયરનો જથ્થો સંતાડીને લાવતા બે શખ્સની ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. પોલીસે રૂ.૬૦,૦૦૦ની કિંમતનો દારૂ-બિયરનો જથ્થો કબજે કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ ક્રાઇમ બ્રાંચ પી.આઇ. જે.એમ. પટેલ અને તેમની ટીમને બાતમી મળી હતી કે એક ટેમ્પાના ચોરખાનામાં સંતાડીને દારૂ‌-બિયરનો જથ્થો અમદાવાદ આવી રહ્યો છે. જેના આધારે પોલીસે નરોડા દાસ્તાન સર્કલ નજીક વોચ ગોઠવી વાદળી કલરના ટેમ્પાને રોકી તપાસ કરતાં કેબિનમાં એક ચોરખાનું બનાવેલ હતું. જેમાંથી
પોલીસને પ૪ વિદેશી દારૂની બોટલ સહિત ૩૮૪ બિયરની બોટલ મળી હતી.

બંનેની પૂછપરછ કરતાં જિતેન્દ્ર હરિરામ ચોરસિયા (ઉ.વ.ર૪) પોપટલાલની ચાલી, અમરાઇવાડી) અને અમરપાલસિંહ ભગવાનસિંહ ચૌહાણ (ઉ.વ.ર૯, રહે. રાજીવનગર સોસાયટી, ઘોડાસર) હોવાનું જણાવ્યું હતું. આરોપીઓએ આગળના ભાગે નંબર પ્લેટ લગાવેલ ન હતી. પરંતુ પાછળના ભાગે નંબર પ્લેટ લગાવીને રાખી હતી. ક્રાઇમ બ્રાંચે દારૂ‌ બિયરનો જથ્થો અને ટેમ્પો વગેરે કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

http://sambhaavnews.com/

You might also like