હિચકીઃ 2014 બાદ રાનીની એક ટીચર તરીકે ધમાકેદાર એન્ટ્રી

લેખક-નિર્દેશક સિદ્ધાર્થ મલ્હોત્રાની બીજી ફિલ્મ છે ‘હિચકી’. આ પહેલાં સિદ્ધાર્થે ૨૦૦૮માં ફિલ્મ ‘વી આર ફેમિલી’ બનાવી હતી. સિદ્ધાર્થ ૧૯૯૮માં નિર્દેશક વિધુ વિનોદ ચોપરાની ફિલ્મ ‘કરીબ’માં સહાયક નિર્દેશક તરીકે કામ કરી ચૂક્યા છે.

૨૦૧૪માં રાની મુખરજીની ફિલ્મ ‘મર્દાની’ આવી હતી. હવે ચાર વર્ષ બાદ તેની ફિલ્મ ‘હિચકી’ આવી રહી છે. પીટર વર્નરની ફિલ્મ ‘ફ્રંટ ઓફ ધ ક્લાસ’ બ્રેડ કોહેનની જિંદગી અને પુસ્તક પર આધારિત હતી, તેની જ રિમેક છે ‘હિચકી’.

બ્રેડ કોહેનની જિંદગી અને પુસ્તક પર આધારિત આ ફિલ્મ એક સ્ત્રીની સકારાત્મક અને પ્રેરણાદાયક કહાણી છે, જે પોતાની સૌથી મોટી કમજોરીને તેની તાકાતમાં બદલી લે છે. નૈના માથુર (રાની મુખરજી) એક મહત્ત્વાકાંક્ષી શિક્ષક છે, જે ટોરેટ સિન્ડ્રોમથી પીડાય છે. ઘણા બધા ઇન્ટરવ્યૂમાં નિષ્ફળ ગયા બાદ તેને શહેરની સૌથી સારી સ્કૂલમાં ફૂલટાઇમ ટીચરની જોબ મળે છે.

શિક્ષણના આરટીઇ હેઠળ આ સ્કૂલમાં ઝૂંપડપટ્ટીનાં ૧૪ બાળકને ભણાવવાની જવાબદારી તેને મળે છે. આ બાળકો ભણવાના બદલે તેની હિચકીની બીમારીને મજાક બનાવે છે તો કોઇ એને પરેશાન કરવાનું કારણ શોધી લે છે.

સ્કૂલ પ્રશાસન પણ નૈનાને મદદ કરવાના બદલે તેને નોકરી છોડવાની સલાહ આપે છે. આવા સંજોગોમાં નૈના શું કરે છે? શું તે પરેશાન થઇ શિક્ષકની નોકરી છોડે છે કે પછી તેનાં સપનાં પૂરાં કરી લે છે? તે આ ફિલ્મમાં દર્શાવાયું છે. •

You might also like