ગાંજાની ખેતીનાં કારસ્તાનનો પર્દાફાશઃ રૂ.સવા કરોડના ગાંજાના જથ્થા સાથે ૬ શખ્સની ધરપકડ

અમદાવાદ: પંચમહાલના સંતરામપુર તાલુકાના ફળવા ગામે ગાંજાની ખેતીના કારસ્તાનનો પોલીસે પર્દાફાશ કરી સવા કરોડના ગાંજાના જથ્થા સાથે ગાંજાનું વાવેતર કરનાર ૬ શખ્સની ધરપકડ કરતાં ખળભળાટ મચી ગયો છે.  પ્રાપ્ત માહિતી પ્રમાણે આ અંગેની વિગત એવી છે કે ઉચ્ચ પોલીસ અધિકારીઓને ગુપ્ત બાતમી મળી હતી કે પંચમહાલના સંતરામપુર તાલુકાના ફળવા ગામની સીમમાં આવેલા ખેતરમાં ગાંજાની ખેતીનો કારોબાર ચાલે છે. આ બાતમીના આધારે પોલીસની જુદી જુદી ટીમોએ ફળવા ગામની સીમના ખેતરોમાં દરોડા પાડી કપાસના ચાસ વચ્ચે ઉગાડવામાં આવેલ ગાંજાના છોડ ઝડપી પાડયા હતા.

પોલીસે ગલા માવા સંગાડા, ભલા માવા સંગાડા, મંજુુલા લક્ષ્મણ સંગાડા, કાલુ ભાથી બારિયા, અખમ મોતી પાદરિયા અને પરબત વીરા પાદરિયાના ખેતરમાં છાપા મારી ૬ શખ્સની ધરપકડ કરી હતી. પોલીસે રૂ.સવા કરોડની કિંમતના પપ૦ નંગ ગાંજાના છોડ કબજે કર્યા હતા. પોલીસે એફએસએલની મદદથી પરીક્ષણ કરાવતાં આ છોડ નશાજન્ય હોવાનું બહાર આવ્યું હતું. બે દિવસ અગાઉ પણ ગોધરા નજીકના એક ગામના ખેતરમાં દરોડો પાડી રૂ.પ૦ લાખની કિંમતના ગાંજાનો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસે આ અંગે નાર્કોટિકસ એકટ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

You might also like