અા ગયા હીરો નંબર વન ગોવિંદા

બોલિવૂડના હીરો નંબર વન ગોવિંદાને ફિલ્મ ઉદ્યોગમાં ત્રણ દાયકા વીતી ચૂક્યા છે. હવે તે પોતાની નવી ફિલ્મ ‘અા ગયા હીરો’ સાથે મુખ્ય કલાકાર તરીકે અાવતા મ‌િહને દર્શકોની સામે હશે. લાંબા સમય સુધી કામ કરવાનો અનુભવ અને સફળતા મેળવનાર ગોવિંદા કહે છે કે તેને લાગી રહ્યું છે કે તે અહીંથી પોતાની કરિયર રિસ્ટાર્ટ કરી રહ્યો છે. બોલિવૂડના કોમેડી કિંગ અને હીરો નંબર વન તરીકે અોળખાતા ગોવિંદાની નવી ફિલ્મ ‘અા ગયા હીરો’ ૩ માર્ચે રિલીઝ થશે. અા ફિલ્મમાં તે ફરી એક વાર પોતાના કોમેડી અને એક્શન અવતારમાં જોવા મળશે. પોતાની અા ફિલ્મના પ્રચારમાં તે હાલમાં વ્યસ્ત છે. ગોવિંદા અાજે પણ હીરો નંબર વન તરીકે અોળખાય છે. તે કહે છે કે મને ‘હીરો નંબર વન’ ફિલ્મથી અા નામ મળ્યું હતું. અાજે અા વાતને ૨૦ વર્ષ પૂરાં થઈને ૨૧મું વર્ષ બેઠું છે. તેથી મેં એમ વિચાર્યું કે ‘અા ગયા હીરો’ મારી ફિલ્મ માટે પરફેક્ટ નામ હશે.

ગોવિંદા કહે છે કે મને અા શીર્ષક સાંભળીને સારું તો લાગે છે, પરંતુ થોડો ડર પણ લાગે છે, જોકે તે બાબત મને વધુ મહેનત કરવા માટે પ્રોત્સાહિત પણ કરે છે. અા શીર્ષક મજબૂર કરે છે કે હું લોકોની અાશાઅો ઉપર ખરો ઊતરું. ફિલ્મ ઉદ્યોગમાં ત્રણ દાયકા વિતાવી ચૂકેલા ગોવિંદાનો જલવો અાજે પણ જળવાયેલો છે. તે કહે છે કે અા માટે હું ભગવાનનો અાભાર માનું છું. હું જ્યારે અા ક્ષેત્રમાં અાવ્યો ત્યારે હું વધુ ભણેલો-ગણેલો ન હતો. મારું બેકગ્રાઉન્ડ ગામડાનું હતું, પરંતુ મને લોકોનો સાથ મળતો ગયો. હું માનું છું કે મારા ઉપર ભગવાનની િવશેષ કૃપા રહી. હું જ્યાં પણ ગયો ત્યાં મારી સફળ મહેનત જોઈને લોકોઅે મને કામ અાપવાનું શરૂ કર્યું. અા ગોવિંદાના હોમ પ્રોડક્શનની પહેલી ફિલ્મ છે. ગોવિંદાને લાગે છે કે અહીંથી તેની શરૂઅાત થઈ રહી છે, જ્યારે મેં મારી ફિલ્મી કરિયર શરૂ કરી ત્યારે હું બાળક હતો. હવે યુવાન થયો છું.

http://sambhaavnews.com/

You might also like