શહેરના તમામ હેરિટેજ બિલ્ડિંગ પર હવે મ્યુનિ.ની પ્લેટ લગાવાશે

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હેરિટેજ મૂલ્ય ધરાવતાં બિલ્ડિંગની યાદી તૈયાર કરાવાઈ છે, જેમાં કુલ ૪૪૯ બિનરહેણાક મિલકતો તેમજ ૨૬૧૩ રહેણાક મિલકતોનો સમાવેશ થાય છે. આ તમામ હેરિટેજ મૂલ્ય ધરાવતાં બિલ્ડિંગની યાદીને મ્યુનિસિપલ કમિશનર ડી. થારાના નોટિફિકેશનથી સત્તાવાર માન્યતા મળશે. દરમિયાન શહેરના તમામ હેરિટેજ બિલ્ડિંગ પર મ્યુનિ.ની પ્લેટ લાગશે.

કોર્પોરેશન દ્વારા તૈયાર કરાયેલ હેરિટેજ બિલ્ડિંગની યાદીને કાયદાકીય પ્રક્રિયા અનુસાર પહેલાં ટાઉન પ્લાનિંગ કમિટીમાં ત્યાર બાદ સ્ટેન્ડિંગ કમિટીમાં અને ત્યાર બાદ મ્યુનિસિપલ બોર્ડમાં મંજૂરી અપાઈ ગઈ છે. આ યાદી ઔડાના સત્તાવાળાઓના અભિપ્રાય માટે મોકલવામાં આવી હતી. ઔડાએ નવા જીડીસીઆર ૨૦૨૧ મુજબ હેરિટેજ બિલ્ડિંગોને લગતા નોટિફિકેશન પ્રસિદ્ધ કરવાની સત્તા મ્યુનિ. કમિશનર હસ્તક હોઈ તેને કમિશનર તરફ પરત કરી છે. અગાઉ આ યાદી રાજ્ય સરકારને નોટિફિકેશન પ્રસિદ્ધ કરવા માટે મોકલવાની હતી.

મ્યુનિ. તંત્રએ આખી યાદીને કમિશનર સમક્ષ રજૂ કરી છે. કમિશનર ડી. થારા આ યાદીને સત્તાવાર માન્યતા અપાવવા નોટિફિકેશન બહાર પાડશે. જેના આધારે આ તમામ બિલ્ડિંગ અધિકૃતપણે હેરિટેજની શ્રેણીમાં આવી જશે.  કોર્પોરેશને કમિશનરના નોટિફિકેશનની પ્રસિદ્ધિ બાદ જે તે બિલ્ડિંગના ગ્રેડેશન સૂચવતી પ્લેટ લગાડવાની દિશામાં વિચારણા હાથ ધરી છે.તાજેતરમાં સત્તાવાળાઓએ કોટ વિસ્તારમાં જૂના જર્જ‌િરત મકાનોને ટી ગર્ડર આધારિત રિપેરિંગ કરવાની છૂટ આપીને હેરિટેજ મિલકતો સામે મોટો ભય ઊભો કર્યો છે. હેરિટેજ મિલકતની પ્લેટથી આ ભય સામે પણ આંશિક રક્ષણ મળશે તેવી ચર્ચા છે.

કોર્પોરેશન દ્વારા કોટ‌ વિસ્તારમાં એક પણ ખાનગી હેરિટેજ બિલ્ડિંગને ગ્રેડ-૧ની શ્રેણી અપાઇ નથી. તંત્ર દ્વારા જે તે હેરિટેજ બિલ્ડિંગને તેની ઐતિહાસિકતા, સ્થાપત્યશૈલી, તેનાં વર્ષોના આધારે ગ્રેડેશન અપાશે અને ગ્રેડશન મુજબ જે તે હેરિટેજ બિલ્ડિંગના માલિકને પ૦ ટકાથી લઇને ૩૦ ટકા સુધીની વેચાણપાત્ર એફએસઆઇ અપાય છે.

You might also like