અૈતિહાસિક સ્થાપત્યોને દબાણોનો ભરડોઃ દિવસભર કપડાં સૂકાતાં હોય છે

અમદાવાદ: અમદાવાદ શહેરના ‘હેરિટેજ સિટી’ના દાવાની ચકાસણી કરવા ચાલુ મહિનાના અંત સુધીમાં યુનેસ્કોનું પ્રતિનિધિમંંડળ શહેરની મુલાકાતે આવી રહ્યું છે. અમદાવાદ પાસે ૬૦૦ વર્ષનો ઐતિહાસિક વારસો તો છે, પરંતુ વારસાનું જતન કરી શકાયું નથી. તંત્રની ગુુનાઇત બેદરકારીથી પોળ વિસ્તારનાં પુરાતન શૈલીનાં મકાનો એક પછી એક કોમર્શિયલ ગોડાઉનમાં ફેરવાતાં જાય છે તો પ્રાચીન સ્થાપત્ય તો દબાણના રાફડા હેઠળ એવાં ઢંકાઇ ગયાં છે કે ખુદ તંત્રને શોધવા જવું પડે તેવી કરુણ સ્થિતિ સર્જાઇ છે. કેટલાક સ્થાપત્યની અંદર કુટુંબોનો વરસાટ હોઈ તેઅો શહેરના ગૌરવશાળી અતીતની અૈસી કી તૈસી કરીને કપડા સુકવી રહ્યા છે.

કોર્પોરેશનમાં કમિશનર ગૌતમ શાહ અને કમિશનર મૂકેશકુમારની કડક સૂચનાથી હેરિટેજ વિભાગ, એસ્ટેટ વિભાગ અને હેલ્થ વિભાગમાં દોડધામ મચી ગઇ છે. બીજી તરફ ઐતિહાસિક મૂલ્ય ધરાવતાં પ્રાચીન સ્થાપત્યની દેખભાળ પ્રત્યે પણ અત્યાર સુધી આંખ આડા કાન કરાતાં આ સ્થાપત્યની અંદર કુટુંબ કબીલા સાથેના વસવાટ થયા છે. જે કલા-સૌંદર્ય માટે પ્રત્યેક અમદાવાદી ગર્વ લઇ શકે તેવાં સ્થળો પર દબાણકર્તા લોકો કપડાં સૂકવી રહ્યા છે. શહેરની પરંપરાની જ્યોત પ્રકાશિત કરતાં કેટલાંક સ્થાપત્યમાં તો પુરાતત્ત્વ વિભાગના કર્મચારીઓ પગ મૂૂકી શકતા નથી. જે પરિવારોએ ત્યાં વર્ષોથી અડ્ડાે જમાવ્યાે છે તેમની દાદાગીરીથી પુરાતત્ત્વ વિભાગ પારેવાંની જેમ ફફડતો જ રહ્યો છે.

જોકે રાજ્ય સરકારના આદેશના પગલે પુરાતત્ત્વ વિભાગ પણ છૂટકે-નાછૂટકે એકશનમાં આવ્યો છે. વડોદરા સ્થિત પુરાતત્ત્વ વિભાગના ગુજરાત વિભાગના સત્તાવાળાઓએ રાજાનો હજીરો, રાણીનો હજીરો જમાલપુરમાં હૈબતખાનની મસ્જિદ, નવાબ સરદારખાન મસ્જિદ, નવાબ સરદારખાન રોઝા જેવાં ઐતિહાસિક સ્થાપત્યને દબાણથી મુકિત અપાવવા વિવિધ સ્તરે મંત્રણા શરૂ કરી છે. કેટલાંક સ્થાપત્યનું સંચાલન ખાનગી ટ્રસ્ટના હવાલે છે તો કેટલાંક સ્થાપત્ય ગુજરાત વકફ બોર્ડમાં નોંધાયેલાં છે.

પુરાતત્ત્વ વિભાગના અધિકારીઓએ ગુજરાત વકફ બોર્ડ અને ખાનગી ટ્રસ્ટ સાથે વાટાઘાટ આરંભી દીધી છે. યુનેસ્કોના પ્રતિનિધિમંડળના અમદાવાદમાં આગમન પહેલાં કોર્પોરેશન અને પુરાતત્ત્વ વિભાગ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને શહેરના ગૌરવશાળી અતીતને પુનઃજીવિત કરવા મરણિયા પ્રયાસ કરી રહ્યાં છે તેમ પણ જાણકાર વર્તુળો કહે છે, આ એડીચોટીના પ્રયાસમાં સ્થાનિક ધારાસભ્ય અને સ્થાનિક કોર્પોરેટરોની પણ મદદ લેવાઇ રહી છે, જોકે હજુ સુધી તંત્રના પ્રયાસોને સફળતા મળી નથી તે પણ એક કડવી વાસ્તવિકતા જ છે.

You might also like