અહીં માત્ર પક્ષીઓનું જ પાર્કિંગ કરવું!

વસતિ વધારાની સાથે-સાથે દિન-પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા પણ વધી રહી છે. મોટાં શહેરોમાં ટ્રાફિક નિવારણ માટે પાર્કિંગ સિસ્ટમ અમલી બનાવાઈ છે. રસ્તાની બાજુમાં કે જાહેર સ્થળો પર વાહનો વ્યવસ્થિત રીતે મૂકવા માટે પાર્કિંગની વ્યવસ્થા હોય છે. આવી જગ્યામાં નિયત કરેલાં વાહનો પાર્ક કરવામાં આવે છે. પાર્કિંગ માટે ટુ-વ્હિલર, થ્રી વ્હિલર કે ફોર વ્હિલર માટેના અલગ-અલગ દિશા-નિર્દેશ પણ હોય છે.

અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલા સરકારી સ્પાઈન ઈન્સ્ટિટ્યૂટમાં વાહન પાર્કિંગની સાથે પક્ષીઓ માટેનું અનોખું પાર્કિંગ પણ જોવા મળે છે. ફિઝિયોથેરાપી, પ્રોસ્ટેથિકલ એન્ડ ઓર્થોટિક્સ કોલેજ ધરાવતાં આ કેમ્પસમાં મોટી સંખ્યામાં વૃક્ષો હોઈ અહીં પક્ષીઓની ચહલ-પહલ વધુ હોય છે.

કેમ્પસની જમણી તરફે વાહન પાર્કિંગની સુવિધા છે, તે વૃક્ષોની આસપાસ પક્ષીઓને ચણ માટેનાં સ્ટેન્ડ પણ મૂકવામાં આવ્યાં છે. આ તમામ સ્ટેન્ડમાં દરરોજ ચણ અને પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે. આ સ્ટેન્ડના દિશા-નિર્દેશ માટે ‘પક્ષીઓનું પાર્કિંગ’ એવું નામ અપાયું છે. જેનો હેતુ અહીંથી અવર-જવર કરતાં લોકો પક્ષીઓને ડિસ્ટર્બ ન કરે તે માટેનો છે. છે ને અનોખું પાર્કિંગ!

You might also like