હેરાલ્ડ કેસમાં સોનિયા, રાહુલને કામચલાઉ રાહત

નવી દિલ્હી : ભારે સનસનાટી જગાવનાર નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને આજે મોટી રાહત મળી ગઈ હતી. કારણકે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ઉપસ્થિત થવાના મામલામાં સુનાવણી ૧૯મી ડિસેમ્બર સુધી ટળી ગઈ હતી. કોર્ટે અંગત રીતે ઉપસ્થિત થવામાંથી મુક્તિ આપવાની માંગ કરતી અરજીને સ્વિકારી લીધી હતી. આ કેસમાં હવે ૧૯મી ડિસેમ્બરના દિવસે સુનાવણી થશે. તમામ આરોપી ૧૯મી ડિસેમ્બરના દિવસે કોર્ટમાં ઉપસ્થિત રહેશે.

બીજીબાજુ સોનિયા ગાંધીના વકિલે કહ્યું હતું કે તમામ આરોપી કોર્ટમાં હાજર થવા માટે તૈયાર છે. આ અગાઉ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ આ મામલામાં દિલ્હીની એક અદાલત સમક્ષ વ્યક્તિગત ઉપસ્થિતિમાંથી મુક્તિની માંગ કરી હતી. જેને સ્વિકારી લેવામાં આવી હતી. ૧૯મી ડિસેમ્બરના દિવસે વ્યક્તિગત રીતે ઉપસ્થિત થવા માટે તમામને કહેવામાં આવ્યું છે. આજે સવારે રાહુલ પુડ્ડુચેરીના પ્રવાસે રવાના થયા હતા. રાહુલ કુડ્ડાલોર જિલ્લામાં પણ જશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી અને ઉપપ્રમુખ રાહુલ ગાંધીને ગઈકાલે મોટો ફટકો પડ્યો હતો. કારણકે દિલ્હી હાઈકોર્ટે ભારે ચર્ચા જગાવનાર નેશનલ હેરાલ્ડ કેસમાં તેમની અરજીને ફગાવી દીધી હતી. સાથે-સાથે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને ટ્રાયલ કોર્ટ સમક્ષ ઉપસ્થિત થવા માટેનો આદેશ કર્યો હતો. ટ્રાયલ કોર્ટ દ્વારા કોંગ્રેસના ટોપના નેતાઓ સામે જારી કરવામાં આવેલા સમન્સને યોગ્ય ઠેરવતા હાઈકોર્ટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દેવામાં આવી હતી.

કોંગ્રેસની એવી દલીલ રહી છે કે, નેશનલ હેરાલ્ડ કેસમાં યંગ ઈન્ડિયા લિમીટેડમાં કોઈપણ ગેરરીતી થઈ નથી. નેશનલ હેરાલ્ડ ન્યુઝપેપર હાલમાં નિષ્ક્રિય સ્થિતિમાં છે. ગયા સપ્તાહમાં દિલ્હી હાઈકોર્ટે કોંગ્રેસના નેતાઓની અરજી ઉપર તેનો ચુકાદો અનામત રાખ્યો હતો. ૨૬મી જુનના દિવસે ટ્રાયલ કોર્ટ દ્વારા જારી કરવામાં આવેલા સમન્સને રદ કરવાની માંગણી કોંગ્રેસના નેતાઓ દ્વારા કરાઈ હતી.

ગાંધીના નજીકના લોકો કોંગ્રેસના ખજાનચી મોતીલાલ વોરા, પરિવારિક મિત્ર સુમન દુબે અને પાર્ટીના નેતા ઓસ્કાર ફર્નાન્ડીસ દ્વારા સુબ્રમણ્યમ સ્વામીની ફરિયાદ ઉપર ટ્રાયલ કોર્ટ દ્વારા તેમની સામે જારી કરવામાં આવેલા સમન્સને રદ કરવાની માંગણી કરી હતી. વરિષ્ઠ વકિલ અને કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે દલીલ કરી હતી કે લોનની રકમ એજેએલની બેલેન્સ શીટને ક્લીન કરવા માટે આપવામાં આવી હતી. સાથે-સાથે કંપનીને ફરી સજીવન કરવા માટે આ નાણાં અપાયા હતા.

રાહુલ ગાંધીનું પ્રતિનિધિત્વ કરનાર વરિષ્ઠ નેતા અભિષેક સિંઘવીએ કહ્યું હતું કે, સુબ્રમણ્યમ સ્વામી દ્વારા દાખલ કરવામાં આવેલ અરજીના કારણે તેમને કોઈ ફટકો પડ્યો નથી.નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસે મોદી સરકાર ઉપર રાજકીય બદલાની ભાવના રાખવાનો આરોપ મુકયો છે. આજે આ મામલે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું છે કે, હું ઇન્દિરા ગાંધીની પુત્રવધૂ છું, હું કોઇથી નથી ડરતી.

અત્રે એ નોંધનીય છે કે, આ કેસમાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સહિત પાંચ આરોપીઓને ૧૯ ડિસેમ્બરના રોજ બપોર બાદ ૩ વાગ્યે હાજર થવાનો આદેશ આપતાં હાલ બંનેને ૧૧ દિવસ માટે હાજર થવામાંથી છૂટ મળી છે. નેશનલ હેરાલ્ડ મામલે આજે સંસદમાં પણ હંગામો મચી ગયો હતો અને બેઠક બપોર સુધી મુલત્વી રહી હતી. શાસક અને વિપક્ષ વચ્ચે સામસામી આક્ષેપબાજી થઇ હતી.

નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આજે પોતાની પ્રતિક્રિયા આપી હતી અને એક સવાલના જવાબમાં કહ્યું હતું કે, હું ઇન્દિરા ગાંધીની પુત્રવધૂ છું અને મને કોઇનાથી ડર લાગતો નથી. તેમણે કહ્યું હતું કે, આમા કોઇ નિરાશ થવાની વાત નથી. હું શા માટે અપસેટ થાઉ.આજે સવારે લોકસભા અને રાજયસભાની કાર્યવાહી શરૂ થતા જ કોંગ્રેસના સાંસદોએ આ મામલે હંગામો મચાવ્યો હતો. બંને ગૃહોમાં કોંગ્રેસના સાંસદોએ નારા લગાવ્યા હતા.

રાજયસભામાં કોંગી સાંસદોએ તાનાશાહી નહીં ચલેગી, બદલે કી રાજનીતિ નહીં ચલેગી એવા નારા લગાવ્યા હતા તો લોકસભામાં મોદી સરકાર હોશ મેં આઓ એવા નારા લાગ્યા હતા તો બીજી તરફ સરકારે કહ્યું હતું કે, જો તેઓએ કશું કર્યું ન હોય તો શા માટે ડરવું જોઇએ. સરકારને આ કેસ સાથે લેવાદેવા નથી. કોઇને બોલાવવા કે ન બોલાવવા તે કામ કોર્ટનું છે. કોઇએ ડરવાની જરૂર નથી.

કોંગ્રેસના પ્રવકતા સીંઘવીએ કહ્યું હતું કે, ભાજપ રાજકીય બદલો લે છે. કોંગ્રેસના નેતાઓને નિશાના બનાવે છે. અમે વિરભદ્રસિંહથી લઇને ચિદમ્બરમ સુધીના કેસ જોયા છે. બધા ઉપર આધારહીન આરોપો મુકાયા છે. સંસદમાં હોબાળો મચતા બંને ગૃહોની બેઠક બે વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી.

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે નેશનલ હેરાલ્ડ કેસ મુલત્વી રાખ્યો, સવારે ૧૦.૩૦ કલાકે કાર્યવાહી શરૂ થઈ અને અડધો કલાક બાદ સુનાવણીની આગલી તારીખ જાહેર કરી, કોર્ટે સોનિયા-રાહુલ સહિત પાંચ આરોપીઓને ૧૯મીએ બપોર બાદ ૩ વાગ્યે હાજર થવાનો આદેશ આપ્યો બધાને ૧૧ દિવસની છૂટ મળી.

નેશનલ હેરાલ્ડ કેસમાં નવેસરના ઘટનાક્રમથી અપસેટ થયેલી કોંગ્રેસ પાર્ટીએ ભાજપના નેતૃત્વમાં એનડીએ સરકાર ઉપર પ્રહારો વધુ તીવ્ર બનાવી દીધા છે અને ખરાબ રાજનીતિ રમવાનો ભાજપ ઉપર આક્ષેપ કર્યો છે. કોંગ્રેસના નેતા આનંદ શર્માએ મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે, ભાજપની ખરાબ રાજનીતિ રમત ચાલી રહી છે. ભાજપ કોંગ્રેસની પ્રતિષ્ઠાને ખરડવાના પ્રયાસમાં છે.

આનંદ શર્માએ કહ્યું હતું કે, કેન્દ્રીય પ્રધાનો મની લોન્ડરીંગ કેસોના સંદર્ભમાં તપાસનો સામનો કરી રહ્યા નથી.ભાજપ શાસિત રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના મુખ્યમંત્રીઓ સામે ગંભીર આક્ષેપ કરવામાં આવેલા છે પરંતુ વડાપ્રધાન અને સરકાર માને છે કે, તેઓ કાયદાથી ઉપર છે. કોઈ પગલાં લેવામાં આવી રહ્યા નથી.

તેમણે એવો આક્ષેપ પણ કર્યો હતો કે, સરકાર નિયમોમાં વિશ્વાસ કરતી નથી. નોન પ્રોફિટેબલ કંપનીને ટાર્ગેટ બનાવવામાં આવે છે. કોંગ્રેસના અન્ય નેતા ગુલામ નબી આઝાદે આ કેસમાં રાજનીતિ રમવાનો ભાજપ ઉપર આક્ષેપ કર્યો છે.

You might also like