હેમા-હરીશ મર્ડર કેસ પોલીસને પુરાવા મળતા નથી

હેમા ઉપાધ્યાય ડબલ મર્ડર કેસમાં પોલીસની સતત સક્રિયતા છતાં હજી સુધી મુખ્ય આરોપી વિદ્યાધર ઝડપાયો નથી. હેમાના પતિ ચિંતનની હત્યાની સોપારી આપવાના આરોપસર ધરપકડ કરાઈ છે, પરંતુ હજી સુધી એ પુરવાર કરનાર કોઈ કડી કે પુરાવો પણ હાથ લાગ્યો નથી. પોલીસે કેવી તપાસ કરી છે અને કેવી છે કેસની આંટીઘૂંટી, ચાલો તપાસીએ…

૧૨ ડિસેમ્બર, ૨૦૧૫ના રોજ સવારના પહોરમાં કચરો વીણનારને કાંદિવલીના નાળામાં બે મોટાં બોક્સ દેખાયાં. લલચાઈને તેણે બોક્સ ખોલવા પ્રયાસ કર્યો તો એમાંથી એક હાથ બહાર નીકળ્યો અને ગભરાટનો માર્યો એ સીધો પોલીસ પાસે પહોંચ્યો. પોલીસે ગુમ થયાની ફરિયાદો તપાસીને બંને બોક્સમાં મળી આવેલા શબ પ્રસિદ્ધ ચિત્રકાર હેમા ઉપાધ્યાય અને તેના વકીલ હરીશ ભંભાણી તરીકે ઓળખ કરી.

મોબાઈલ લોકેશન અને આસપાસનાં લોકોનાં બયાન પરથી પોલીસે કાંદિવલીની ઝૂંપડપટ્ટીમાં ફેબ્રિકેશનનું ગોડાઉન ધરાવનારા વિદ્યાધર રાજભર, તેને ત્યાં કામ કરનાર કર્મચારીઓ વિજય રાજભર, પ્રદીપ રાજભર, આઝાદ રાજભર, શિવકુમાર ઉર્ફે સાધુ રાજભરની હત્યાના આરોપસર ધરપકડ કરી. એમાંના એકે કબૂલ કર્યું કે, વિદ્યાધરે તેને આ બંને બોક્સ કચરાના છે એમ કહી નાળામાં ફેંકી દેવા કહ્યું હતું. આ બધા જ ઉત્તર પ્રદેશના એક જ ગામના વતની છે.

હેમાના ભાઈ દીપકપ્રસાદ અને ઘરના લોકોએ ખાતરીથી આક્ષેપ કર્યા કે, ચિંતને જ ભરણપોષણ અને ઘરેલુ હિંસાના કેસથી બચવા હેમાની હત્યા કરાવી છે. ૧૯ ડિસેમ્બર, ૨૦૧૫ના રોજ હેમા ઉપાધ્યાયના પતિ ચિંતન ઉપાધ્યાયની પત્ની તથા તેના વકીલની હત્યાના આરોપસર ધરપકડ કરી લીધી. પોલીસે પોતાની થિયરી મુજબ પકડાયેલા ચારેય ગુનેગારો અને ચિંતનની સામસામ બેસાડીને ઘનિષ્ઠ પૂછપરછ કરી છે, પરંતુ કોઈએ ગુનાની કબૂલાત કરી નથી. ચારેય આરોપી એક જ રટણ કરે છે કે, વિદ્યાધરને ત્યાં કામ કરતા હોવાથી એ લોકો પોલીસના સકંજામાં સપડાઈ ગયા છે. ૨૮ ડિસેમ્બર, ૨૦૧૫ના રોજ ચારેય આરોપીના પોલીસ રિમાન્ડ પૂરા થતાં તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

આ લખાય છે ત્યારે ચિંતન આઠ દિવસથી પોલીસ કસ્ટડીમાં છે. પોલીસ તેની ઊલટતપાસ કરી રહી છે, પરંતુ હજી કોઈ કડી કે પુરાવો હાથ લાગ્યાં નથી. પોલીસની થિયરી એવી છે કે, ચિંતને વારંવાર વધતાં જતાં ભરણપોષણથી છૂટવા માટે વિદ્યાધર રાજભરને હેમાની હત્યાની સોપારી આપી. વિદ્યાધરના પિતા ચિંતનનું કામ કરતા હતા. એમની માંદગીમાં ચિંતને લાખો રૂપિયા વિદ્યાધરને આપ્યા હતા. એ નાણાં માફ કરવાના બદલામાં સોપારી અપાઈ હતી.

ચિંતને જ વિદ્યાધરને સ્ટોરી બોર્ડનાં ચિત્રો બનાવીને હત્યા શી રીતે કરવી એ સમજાવ્યું હતું. પછી તે દિલ્હી જતો રહ્યો હતો. વિદ્યાધરે હેમાને ફોન કર્યો કે તેની પાસે ચિંતનના કોઈ મહિલા સાથે અંગત પળોના પુરાવા છે. હેમા એ મેળવવા પોતાના વકીલ હરીશ ભંભાણીને લઈને વિદ્યાધરના ગોડાઉન પર પહોંચી ગઈ. તે પણ વિદ્યાધર અને તેના ગોડાઉનથી પરિચિત હતી, કારણ કે તેનાં ચિત્રો અને આર્ટવર્કનું ફેબ્રિકેશન વિદ્યાધર જ કરતો હતો.

હેમા અને હરીશ ભંભાણી ગોડાઉન પર આવ્યાં ત્યારે વિદ્યાધરે તેમને વાતમાં ગૂંચવ્યા અને એના બે માણસોએ પાછળથી બંનેને પકડી લીધા. અન્ય બે માણસોએ એમને ક્લોરોફોર્મ લગાવેલ કપડું સૂંઘાડી બેભાન કરી દીધા. પછી તેમની હત્યા કરવામાં આવી અને મૃતદેહ પ્લાસ્ટિકની બેગમાં ભરીને કાર્ડબોર્ડના બોક્સમાં પેક કરીને ટેમ્પોવાળા પાસે નાળામાં ફેંકાવી દેવામાં આવ્યા. પછી વિદ્યાધર અને શિવકુમાર ઉર્ફે સાધુ રાજભર ભાગી ગયા હતા. તેમાંથી સાધુની ધરપકડ કરી લેવાઈ છે.

જોકે પોલીસને આ થિયરી સાબિત કરવા કોઈ પુરાવો હાથ લાગ્યો નથી. ચિંતન તેમની પાસે ૩૧ ડિસેમ્બર, ૨૦૧૫ સુધી કસ્ટડીમાં છે. ૧ જાન્યુઆરી, ૨૦૧૬ના રોજ તેને કોર્ટમાં રજૂ કરવો પડશે અને વધુ રિમાન્ડની માગ કરવામાં આવશે. પૂરેપૂરી શક્યતા છે કે, કોર્ટ તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપે.

એ અગાઉ કોઈ કડી, કોઈ પુરાવો મેળવી લેવા પોલીસ તનતોડ મહેનત કરી રહી છે. પોલીસ વિદ્યાધરની પણ યુદ્ધના ધોરણે તપાસ કરી રહી છે. એક વખત એ હાથમાં આવી જાય તો પોલીસને ખાતરી છે કે આખો કેસ પુરવાર કરવાનો મસાલો મળી જશે. પૂછપરછમાં એ પણ જાણવા મળ્યું છે કે, વિદ્યાધરના હેમા પાસે પાંચ લાખ રૂપિયા લેણાં નીકળતા હતા.

ચિંતન પોલીસને જણાવે છે કે, ત્રણ વર્ષથી તે વિદ્યાધરને મળ્યો નથી. જુલાઈ ૨૦૧૫માં તેને વિદ્યાધરનો કોન્ટેક્ટ નંબર મળ્યો ત્યારે તેણે વિદ્યાધરને ફોન કરી પૈસાની ઉઘરાણી કરી હતી. વિદ્યાધરને કહ્યું હતું કે, એકસાથે પૈસા ન ચૂકવી શકતો હોય તો થોડા થોડા કરીને ચૂકવતો જા.

પોલીસને જાણ થઈ કે, ચિંતનનાં માતા-પિતા જયપુર રહે છે અને વિદ્યાધર તેમને મળવા ગયો હતો. પોલીસને ખાતરી થઈ કે, ત્યાં જ હેમાની હત્યાનો પ્લાન બન્યો હશે એટલે પોલીસ ચિંતનને લઈ જયપુર પહોંચી અને બધાને સામસામે બેસાડીને પૂછપરછ કરવામાં આવી. ચિંતનનાં માતા-પિતાએ કબૂલ કર્યું કે, થોડાક મહિના પહેલાં અચાનક વિદ્યાધર અમને મળવા આવ્યો હતો, પરંતુ ત્યારે ચિંતન અહીં નહોતો. ચિંતને પણ આ જ બયાન આપ્યું.

પોલીસની એક ટુકડી આરોપીઓને લઈને કાંદિવલીના નાળા પર ઘનિષ્ઠ તપાસ કરી આવી. જેથી કોઈ કડી મળી શકે. ત્યાંથી એક મોબાઈલ મળી આવ્યો, પરંતુ એ કોનો છે એની ખબર પડી નથી.

પોલીસની બીજી ટુકડીએ હેમાના અને વકીલ હરીશ ભંભાણીના ઘરની દરેક ચીજ તપાસી જોઈ જેથી એમાંથી કોઈ કડી મળી શકે એમ હોય તો ધ્યાનમાં આવે.
હેમા-ચિંતનના છૂટાછેડા તથા ભરણ-પોષણ તથા ઘરેલુ હિંસાના કેસોને લગતા તમામ કાગળો મગાવીને એનો પણ ઝીણવટથી અભ્યાસ કરવામાં આવ્યો. આ લખાય છે ત્યાં સુધી એમાંથી ય કોઈ કડી મળી નથી.

૧૧ ડિસેમ્બર, ૨૦૧૫ના રોજ હત્યા માટે આરોપીઓને ક્લોરોફોર્મ જે વેપારીએ વેચ્યંુ હોવાની પોલીસને શંકા છે તેની પણ આકરી ઊલટતપાસ કરવામાં આવી છે.
ચિંતન સહિત પાંચેય માણસોના ડીએનએ સેમ્પલ પોલીસે ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. જેથી તેમને મૃતદેહો પર મળેલી ચીજોે સાથે સરખાવીને ખાતરી કરી શકાય કે આ લોકો હત્યા સમયે હેમા ઉપાધ્યાય અને હરીશ ભંભાણીની સાથે હતા કે નહીં.

ચિંતનના જૂહુમાં આવેલા એપાર્ટમેન્ટની પણ તપાસ કરવામાં આવી છે. ત્યાંથી પોલીસે એક સ્કેચ-બુક કબજે કરી છે. તેમાં ચિંતને કરેલા સંખ્યાબંધ સ્કેચ છે. એનો અભ્યાસ કરીને કોઈ કડી તારવવા પ્રયાસ ચાલી રહ્યો છે. પોલીસે તમામ આરોપીઓના બેન્ક ખાતાં તપાસી લીધા છે, એમાં કોઈ નાણાંની લેવડ-દેવડ થઈ નથી. પોલીસને શંકા છે કે નાણાં રોકડમાં આપવામાં આવ્યા હોઈ શકે.

આ કેસની તપાસ કરી રહેલા અધિકારી સુધીર દળવીએ ‘અભિયાન’ને ૨૮ ડિસેમ્બર, ૨૦૧૫ના રોજ જણાવ્યું કે, આ હત્યા કેસમાં આગળ વધી શકાય એવી કોઈ કડી હજી મળી નથી. ચિંતનની આટલી ઊલટતપાસ કરવા છતાં તેણે કોઈ કબૂલાત કરી નથી.
તેમણે આશા દર્શાવી કે, કંઈક કરતાં વિદ્યાધર ઝડપાઈ જાય તો ચિંતન અને વિદ્યાધરને સામસામે બેસાડીને પૂછપરછ કરવાથી કોઈક કડી જરૂર મળી આવશે. કદાચ હત્યાનો આખો ભેદ ખૂલી જશે, પરંતુ ત્રણ દિવસમાં જો વિદ્યાધર ન ઝડપાય તો એ પછી બંનેને સામસામે બેસાડી પૂછપરછ કરવાની તક પોલીસને મળવાની નથી.

પોલીસ ઝડપથી તપાસ કરીને આ કેસ ઉકલી લેવા પ્રતિબદ્ધ છે. પોલીસની શંકા મુજબ ચિંતને જ વિદ્યાધરને હેમાનું ખૂન કરવાની સોપારી આપી હતી. બીજી એક વાત એવી પણ ચર્ચાય છે કે, વિદ્યાધર હેમા પાસે પાંચ લાખ રૂપિયા માગતો હતો. એના કારણે પણ કશીક ગરબડ થઈ હોઈ શકે. હત્યાનો હેતુ સાબિત કરનારી કોઈ કડી હજી હાથ લાગી નથી. આ બધું જોતાં આ કેસ ઉકલાશે કે કેમ એવો પ્રશ્ન સહેજે મનમાં જાગી જાય!

લતિકા સુમન

You might also like