ધો.૧૦-૧૨ના વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઈન શરૂ કરાઈ

અમદાવાદ: ધોરણ-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓની પરીક્ષા પૂર્વે હતાશ વિદ્યાર્થીઓમાં પરીક્ષાનો હાઉ દૂર કરવા શિક્ષણ બોર્ડ ઉપરાંત હવે પોલીસ વિભાગે પણ ખાસ હેલ્પલાઇન શરૂ છે. પોલીસ વિભાગની સુરક્ષા સેતુ યોજના હેઠળની જીવન આસ્થા મેન્ટલ હેલ્થ નામની હેલ્પલાઇન ૨૪ કલાક ચાલુ રહેશે, જેનો ટોલ ફ્રી નંબર ૧૮૬૦-૨૬૬૨૩૪૫ છે, જેમાં ધોરણ-૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને મનોચિકિત્સકો અને એક્સ્પર્ટ કાઉન્સેલર દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે.

ક્યારેક યોગ્ય માર્ગદર્શનના અભાવે વિદ્યાર્થીઓ માનસિક તાણ અનુભવે છે અને વધુ પડતા સ્ટ્રેસના કારણે ક્યારેક આત્મહત્યા સુધીનું અઘટિત પગલું પણ ભરતા હોય છે. આવા વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઇન ઉપરાંત પોલીસ મહાનિરીક્ષક હસમુખ પટેલ દ્વારા એક માર્ગદર્શક પુસ્તક પણ તૈયાર કરાયું છે, જે રાજ્યના તમામ ડીઇઓ જિલ્લા શિક્ષણાધિકારીઓને આપવામાં આવેલ છે.

૬ ફેબ્રુઆરીએ બીસાગના માધ્યમથી ધો. ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓ માટે ૧૧થી ૨ ટેલિ કોન્ફરન્સ થશે, જેમાં પૂર્વભૂમિકા, આત્મહત્યાની પશ્ચાદભૂમિ, ચેતવણીના સંકેત, ગેરમાન્યતા ડુ અને ડુનોટ, શિક્ષકો આ બાબતે શું કરી શકે, ઉપાયો અને પ્રશ્નોત્તરી વગેરે વિષયો પર ચર્ચા હાથ ધરાશે.

ગત વર્ષે રોજના ૭૦૦થી વધુ અને પરીક્ષાના એક સપ્તાહ પહેલાં ૧૩૦૦થી વધુ ફોન કોલ્સ આવ્યા હતા, જેમાં આત્મહત્યા કરવા માગતા ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓને બચાવવામાં સફળતા મળી હોવાનું પોલીસ વિભાગનાં સૂત્રોએ જણાવ્યું હતું.

You might also like